android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari News : નવસારીના વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ, 2.75 લાખની કરી હતી માગણી

calendar_todayJanuary 7, 2026

Navsari News : નવસારીના વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ, 2.75 લાખની કરી હતી માગણી

કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે. તે જ જ્યારે કાયદો હાથમાં લે ત્યારે સામાન્ય જનતા ક્યાં જાય? નવસારીના વિજલપોર પોલીસ મથકમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ ભરત પાટીલ અને ચેતન પટેલ સામે ગંભીર આક્ષેપો થયા છે.

રક્ષક જ બન્યા ભક્ષક

આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે કોન્સ્ટેબલ ભરત પાટીલે એક યુવકને નિશાન બનાવ્યો. આરોપ છે કે ભરત પાટીલે ફરિયાદીના પુત્રને પકડી તેને ઢોર માર માર્યો હતો. માત્ર માર મારીને સંતોષ ન થયો હોય તેમ, યુવકને 'સાયબર ફ્રોડ'ના ખોટા ગુનામાં ફિટ કરી દેવાની અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપી હતી. આ ધરપકડ અને કાયદાકીય ગૂંચવણોમાંથી બચાવવા માટે કોન્સ્ટેબલે 2.75 લાખરૂપિયાની માતબર રકમની માંગણી કરી તોડ કર્યો હતો.

પોલીસના ત્રાસથી લેખિત ફરિયાદ નોંધાવી

પોલીસના ત્રાસ અને આર્થિક લૂંટથી કંટાળેલા ફરિયાદીએ હિંમત હારી બેસવાને બદલે નવસારીના જિલ્લા પોલીસ વડા (SP) રાહુલ પટેલનો સંપર્ક કર્યો અને લેખિત ફરિયાદ નોંધાવી. મામલાની ગંભીરતા જોતા, SP રાહુલ પટેલે તાત્કાલિક પગલાં ભર્યા હતા. પ્રાથમિક તપાસ બાદ શિસ્તભંગ અને સત્તાના દુરુપયોગ બદલ કોન્સ્ટેબલ ભરત પાટીલ અને તેને સાથ આપનાર ચેતન પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.

આ ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચાવી દીધી છે. ટેકનોલોજીના જમાનામાં સાયબર ફ્રોડનો ડર બતાવી સામાન્ય લોકોને લૂંટતા આવા પોલીસકર્મીઓ સામે કડક દાખલો બેસાડવો જરૂરી છે. હાલમાં આ મામલે વિભાગીય તપાસ તેજ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ રક્ષક ભક્ષક બનવાની હિંમત ન કરે.

આ પણ વાંચોઃ Gandhinagar : સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો કરાયો પ્રારંભ,સવારે 8 થી સાંજે 6 સુધી મળશે સુવિધા