android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
New Delhi : પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ નાબૂદ, ડીઝલ અને વિમાન ઇંધણ પરની ડ્યૂટીમાં વધારો, જાણો તમને શું ફેર પડશે

calendar_todayOctober 31, 2026

New Delhi : પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ નાબૂદ, ડીઝલ અને વિમાન ઇંધણ પરની ડ્યૂટીમાં વધારો, જાણો તમને શું ફેર પડશે

વૈશ્વિક ઊર્જા બજારની ભારે ઉથલપાથલ અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે નાણાં મંત્રાલયે ઇંધણની નિકાસ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં સુધારો જાહેર કર્યો છે. નવી જોગવાઈ અનુસાર પેટ્રોલમાં નિકાસ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરાઈ છે, જ્યારે ડીઝલ અને વિમાન ઇંધણ એટીએફના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ તાજા સુધારાનો મુખ્ય હેતુ સ્થાનિક પુરવઠો સુદ્રઢ રાખવાનો છે.

ડ્યુટી પ્રતિ લિટરે રૂ. 2.50 થી ઘટાડીને સીધી શૂન્ય કરી 

નાણાં મંત્રાલય દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા તાજા જાહેરનામા મુજબ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીના સુધારેલા દરો તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દેવામાં આવ્યા છે. આ સુધારા હેઠળ સરકારે પેટ્રોલ નિકાસ પર વસૂલવામાં આવતી ડ્યુટી પ્રતિ લિટરે રૂ. 2.50 થી ઘટાડીને સીધી શૂન્ય કરી દીધી છે, જેથી હવે તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 

ડીઝલના નિકાસ શુલ્કમાં પ્રતિ લિટરે રૂ. 3 નો વધારો

બીજી તરફ, ડીઝલના નિકાસ શુલ્કમાં પ્રતિ લિટરે રૂ. 3 નો વધારો ઝીંકાયો છે, જેના પરિણામે જૂનો દર પ્રતિ લિટર રૂ. 8.50 થી વધીને હવે રૂ. 11.50 થઈ ગયો છે. એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના નિકાસ દર પર પ્રતિ લિટરે 50 પૈસાનો વધારો કરવામાં આવતા આ શુલ્ક રૂ. 10.50 થી વધીને પ્રતિ લિટર રૂ. 11.00 પહોંચી ગયું છે. 

દર 15 દિવસે નિકાસ દરોની વ્યાપક સમીક્ષા

સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ઉત્પાદનોની કિંમતોના આધારે દર 15 દિવસે નિકાસ દરોની વ્યાપક સમીક્ષા કરે છે. વૈશ્વિક બજારમાં પેટ્રોલના માર્જિનમાં ઘટાડો થવાને પગલે આ ટેક્સ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલના મજબૂત માર્જિનને કારણે તેના પર વધારાનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે.

સામાન્ય ગ્રાહકોને કોઇ અસર નહીં પડે

આ નિર્ણયથી સ્થાનિક બજારમાં સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવો પર કોઈ પ્રતિકૂળ અસર પડશે નહીં. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સ્થાનિક વપરાશકારો માટે જૂના ભાવે જ ઇંધણનું વેચાણ ચાલુ રાખશે, કારણ કે આ કર માત્ર વિદેશમાં રિફાઇન્ડ તેલ નિકાસ કરતી કંપનીઓ પૂરતો સીમિત છે. 

ઊર્જા સંકટ સમયે આ વિન્ડફોલ ટેક્સ દાખલ કરાયો હતો

વાસ્તવમાં માર્ચ 2026 માં પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ઊર્જા સંકટ સમયે આ વિન્ડફોલ ટેક્સ દાખલ કરવામાં આવ્યો હતો. તે વખતે ભારતીય રિફાઇનરીઓ ઊંચા વૈશ્વિક નફાની લાલચમાં સ્થાનિક જરૂરિયાતોની અવગણના ન કરે તે સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ હતો. આ યુદ્ધ શરૂ થયું તે પહેલાં દેશની કુલ ક્રૂડ તેલ આયાતનો આશરે 45% હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની પરથી પસાર થતો હતો, પરંતુ જળમાર્ગ પર વેપારી જહાજોની અવરજવરમાં વિક્ષેપ ઊભો થતાં ભારતે વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવા પડ્યા છે. વૈશ્વિક સપ્લાય પર દબાણ અને મોંઘા ક્રૂડ તેલ તેમજ નબળા રૂપિયા વચ્ચે પણ સરકારે દેશમાં કિંમતો સ્થિર રાખી છે. એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ભારતની ઇંધણ નિકાસની કુલ માત્રા ઘટી હોવા છતાં, કુલ કમાણીમાં આશરે 50% જેટલો જંગી ઉછાળો નોંધાયો છે. 


આ પણ વાંચો  :   Crime : શાળાના ચાલુ વર્ગખંડમાં વિદ્યાર્થિની પર આરીથી જીવલેણ હુમલો, પ્રપોઝલ ઠુકરાવતા બન્યો બનાવ