android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Opinion:યુવા શક્તિનો 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ

calendar_todayJanuary 14, 2026

Opinion:યુવા શક્તિનો 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ

સ્વામી વિવેકાનંદ કે જેણે ભારતનાં યુવાનોમાં સંસ્કારનાં બીજ રોપ્યા હતા અને દેશનો સમૃદ્ધ વારસો જાળવી રાખવા યુવાનોના પથદર્શક બન્યા હતા. તેમને દેશની યુવા પેઢી પર ભરપૂર વિશ્વાસ હતો. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મને દેશની આધુનિક પેઢી પર વિશ્વાસ છે તેઓ માત્ર અમારા કાર્યકર્તા બની રહેવાને બદલે દેશને આગળ લઈ, જવાનું વિકાસનાં માર્ગે લઈ જવાનું કામ કરશે. તેઓ તેમનામાં રહેલી શક્તિનો સંચય કરીને વિશ્વની તમામ સમસ્યાઓ ઉકેલવા સમર્થ બનશે. તેમનાં આ શબ્દો આજે સાચા પડી રહ્યા છે.

આઝાદીના આંદોલનમાં સ્વામી વિવેકાનંદના વિચારો ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને ઓરોબિંદો ઘોષના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા હતા. જે આજકાલ ભારતનાં યુવાનોના પ્રેરક સ્ત્રોત બનીને તેમનામાં વિકસિત ભારતનો જોમ અને જુસ્સો પ્રગટાવી રહ્યા છે. દેશની યુવા શક્તિ એટલે બીજી રીતે કહીએ તો Gen-Z આજકાલ ભારતની આઝાદીનો પૂરેપૂરો આનંદ માણી રહી છે. 1995 પહેલા જન્મેલા લોકોએ જે ચીજવસ્તુઓ જોઈ નહીં તેવી આધુનિક ટેક્નોલોજીના આવિષ્કારથી જોવા મળી રહેલી અને ઉપયોગમાં લેવાઈ રહેલી ચીજોનો યુવાધન ભરપૂર ઉપયોગ કરી રહી છે. સારી વાત એ છે કે દેશનાં 80 ટકા યુવાનો આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો રચનાત્મક અને સર્જનાત્મક ઉપયોગ કરી રહ્યા છે. આધુનિકતા અને તેમને વારસામાં મળેલી વિરાસત વચ્ચે તેઓ સંતુલન સાધી રહ્યા છે. ડિજિટલ યુગમાં મોટા થઈ રહેલા અને ઉછરી રહેલા લોકો તેમની ચાલાક અને કુશળ બુદ્ધિક્ષમતા સાથે દેશને વિકાસના માર્ગે લઈ જવા પ્રતિબદ્ધ થઈ રહ્યા છે. તેઓ મનમાં 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ લઈને બેઠા છે. દેશને વિકસિત ભારતની દિશામાં લઈ જવા કેન્દ્ર સરકારના અભિયાનોમાં અડીખમ થઈને ઊભા રહ્યા છે અને સાથ આપી રહ્યા છે. સારી વાત એ છે કે દેશની યુવા શક્તિની શક્તિ ખોટા કામોમાં વેડફાતી નથી. આપણા પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાંમારમાં જેન-ઝી દેશને પાયમાલ કરવા બેઠા છે. તેમની શક્તિ તેમનાં દેશને વિકાસનાં માર્ગે લઈ જવાને બદલે કટ્ટરવાદને પોષવા સમર્પિત કરી રહ્યા છે. 1995થી 2010 વચ્ચે જન્મેલા લોકો પીએમ મોદીનાં વિકસિત ભારતનાં સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અનેક અવરોધો અને પ્રતિકૂળતા વચ્ચે તેઓ તેમનાં સંકલ્પ પથ પરથી વિચલિત થતા નથી. તેમનું જોશ અને સોચ એટલે કે વિચારધારા બન્ને પ્રશંસાને પાત્ર છે. તેમનાં રહેલી અદ્ભુત ઊર્જા અને અભૂતપૂર્વ ઉત્સાહ નવી ઊંચાઈઓને સ્પર્શવા થનગની રહી છે. તેઓ ભારતમાં વિનાશ નહીં પણ વિકાસ ઇચ્છે છે. ભારતનાં યુવાનો આજકાલ ભલે તેમનાં હાથમાં સ્માર્ટ ફોન લઈને વિદેશોમાં ફરી રહ્યા હોય પણ તેમણે ભારતનાં ભવ્ય વારસાને જાળવી રાખ્યો છે. ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને તેઓ દેશની સદીઓ જૂની પરંપરાની ઓળખ જાળવી રહ્યા છે.