android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Padma Shri: પદ્મશ્રી હરેકલા હજબ્બાને ECએ પાઠવી SIR નોટિસ, નામમાં ફર્ક હોવાથી સ્પષ્ટતા કરવા બોલાવ્યા

calendar_todaySeptember 8, 2026

Padma Shri: પદ્મશ્રી હરેકલા હજબ્બાને ECએ પાઠવી SIR નોટિસ, નામમાં ફર્ક હોવાથી સ્પષ્ટતા કરવા બોલાવ્યા

સંતરા વેચીને પોતાના ગામમાં શાળા બનાવનાર હજબ્બાને વર્ષ 2020માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા હતા. હવે કર્ણાટકમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન પુનરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેમના નામમાં નોંધાયેલી વિસંગતિને લઈને તેમને નોટિસ પાઠવવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, વર્ષ 2002ની જૂની મતદાર યાદીમાં તેમનું નામ માત્ર ‘હજબ્બા’ તરીકે નોંધાયેલું હતું. જોકે ત્યારબાદના લગભગ તમામ સત્તાવાર દસ્તાવેજોમાં તેમનું સંપૂર્ણ નામ ‘હેરેકલા હજબ્બા’ તરીકે નોંધાયેલું છે. તેમના ઓળખપત્રો, રેશન કાર્ડ, પાસપોર્ટ, નવા મતદાર ઓળખપત્ર તેમજ પદ્મશ્રી સન્માન સંબંધિત દસ્તાવેજોમાં પણ ‘હરેકલા હજબ્બા’ નામ જ દર્શાવવામાં આવ્યું છે.

જૂની મતદાર યાદી અને હાલના સત્તાવાર દસ્તાવેજોમાં નામના આ તફાવતને ચૂંટણી પંચે ‘વિસંગતિ’ની શ્રેણીમાં મૂક્યો છે. આ કારણે તેમને દસ્તાવેજોની ચકાસણી માટે નોટિસ મોકલવામાં આવી છે.

આંગણવાડી કાર્યકરો તેમના નિવાસસ્થાને પહોંચી નોટિસ સોંપી હતી. નોટિસમાં તેમને 11 સપ્ટેમ્બરે તમામ મૂળ દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયત સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન ગ્રામ લેખાકાર દ્વારા તેમના દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરવામાં આવશે.

સંતરા વેચવાથી લઈને પદ્મશ્રી સુધીની પ્રેરણાદાયક સફર

હરેકલા હજબ્બાની જીવનયાત્રા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. કર્ણાટકના મંગલુરુ વિસ્તારમાં રસ્તાઓ અને બસ સ્ટેન્ડ પર સંતરા વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ પોતે ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા હતા, પરંતુ જીવનમાં શિક્ષણનું મહત્વ તેમણે ખૂબ નજીકથી સમજ્યું હતું.

પોતાની રોજિંદી નાની-નાની બચતમાંથી તેમણે પોતાના પૈતૃક ગામના બાળકો માટે પ્રાથમિક શાળા સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષણના ક્ષેત્રમાં તેમના આ અનોખા યોગદાન અને સમાજસેવા બદલ ભારત સરકારે વર્ષ 2020માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

કર્ણાટકમાં લાખો મતદારોને નોટિસ

ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા મુજબ, હજબ્બા એવા લાખો મતદારોમાં સામેલ છે જેમને કર્ણાટકમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણ પ્રક્રિયા હેઠળ નોટિસ મોકલવામાં આવી રહી છે.

‘નો મેપિંગ’ અને ‘વિસંગતિ’ જેવી શ્રેણીઓ હેઠળ અત્યાર સુધીમાં 43.81 લાખથી વધુ નોટિસ જારી કરવામાં આવ્યા છે, જેમાંથી 7.31 લાખથી વધુ નોટિસની તામિલી થઈ ચૂકી છે. મતદાર યાદીમાં દાવા અને વાંધાઓના નિકાલની પ્રક્રિયા 24 ઓગસ્ટથી 22 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્ણાટકની અંતિમ મતદાર યાદી 27 ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવશે. હેરેકલા હજબ્બાના મામલાએ એકવાર ફરી મતદાર યાદીમાં માહિતીની ચોકસાઈ અને દસ્તાવેજોની યોગ્ય નોંધણી અંગે ચર્ચા જગાવી છે.