android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur: ગ્રાહક બનીને આવેલા ગઠિયા જ્વેલર્સની દુકાનમાંથી 1.98 લાખના દાગીના સેરવી ગયા

calendar_todayFebruary 28, 2026

Palanpur: ગ્રાહક બનીને આવેલા ગઠિયા જ્વેલર્સની દુકાનમાંથી 1.98 લાખના દાગીના સેરવી ગયા

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે અજાણ્યા શખ્સો ગ્રાહક હોવાનો ઢોંગ કરીને આવ્યા હતા અને વેપારીની નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

ગ્રાહક બનીને આવ્યા અને લૂંટ ચલાવી

કુંભાસણ ગામે રહેતા ઈશ્વરભાઈ ઠાકોરની જ્વેલર્સની દુકાનમાં બે અજાણ્યા ઈસમો ખરીદી કરવાના બહાને પ્રવેશ્યા હતા. વેપારી જ્યારે દાગીના બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે આ ગઠિયાઓએ અત્યંત ચાલાકી પૂર્વક હાથફેરો કર્યો હતો. વેપારી કઈ સમજે તે પહેલા જ આ શખ્સો આશરે ₹1.98 લાખની કિંમતના દાગીના લઈને નાસી છૂટ્યા હતા.

CCTVમાં કેદ થઈ ચોરી

તસ્કરોની આ તમામ હરકતો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ગઠિયાઓ વાતચીતમાં વેપારીનું ધ્યાન ભટકાવે છે અને દાગીનાની ચોરી કરે છે. પોલીસે આ ફૂટેજ કબજે કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસનો કાફલો તપાસમાં જોતરાયો

ઘટનાની ગંભીરતાને જોતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા તાત્કાલિક અસરથી ગઢ પોલીસ અને એલસીબી (LCB) ની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચો:Amreli: રાજુલા નજીક હિટ એન્ડ રન, ભાવનગર-સોમનાથ હાઇવે પર અજાણ્યા વાહને યુવાનને કચડ્યો