calendar_todayApril 22, 2026
Palanpur: પાલનપુરમાં ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવમાં 31 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજી અને દેવી-દેવતાઓની મૂર્તિ આગમનની ભવ્ય શોભાયાત્રા
પાલનપુર : પાલનપુર ખાતે 31 ગામના કડવા પાટીદાર સમાજ દ્વારા યોજવામાં આવેલ ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આયોજનમાં પાટીદાર સમાજના દરેક ઘરમાંથી લોકોએ યથાશક્તિ સેવા આપી હતી.અને ભવ્યાધિભવ્ય ઉજવણી કરી હતી.આ પ્રસંગે પાટીદાર સમાજની વાડી રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠી હતી.અને હજારોની મેદની વચ્ચે ભક્તિનુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.શણગારેલા રથોમાં ઉમિયા માતાજી અને અન્ય દેવી-દેવતાઓની નૂતન મૂર્તિઓને બિરાજમાન કરવામાં આવી હતી. આ દિવ્ય સ્વરૂપોના દર્શન અને સ્વાગત માટે સમગ્ર પાલનપુર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મૂર્તિઓને સમાજની વાડી ખાતે લાવવાના આ આલૌકિક અવસરમાં 31 ગામના પાટીદાર સમાજના ભાઈ-બહેનો,વડીલો અને યુવાનો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા. ડીજે અને ઢોલ-નગારાના તાલે લાલ-પીળા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ માર્ગો પર ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરી હતી. હજારોની ભીડ હોવા છતાં વ્યવસ્થિત પાર્કિંગ અને શિસ્તબદ્ધ રીતે આગળ વધતી યાત્રા 31 ગામ કડવા પાટીદાર સમાજની સંગઠીત શક્તિ અને ઉત્કૃષ્ટ આયોજનનું પ્રતીક છે. આ ભવ્ય મૂર્તિ આગમન શોભાયાત્રાથી સમગ્ર પાલનપુર શહેર જય ઉમિયા ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠયું હતું. સમાજની વાડી ખાતે માતાજીના આગમનનો આ પાવન પ્રસંગ દરેક પાટીદારના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો