android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur : 70 કિલો પંચધાતુમાંથી બનેલું શ્રીયંત્ર વૈષ્ણોદેવી માતાના ચરણોમાં અર્પણ કરાયું

calendar_todayOctober 24, 2026

Palanpur : 70 કિલો પંચધાતુમાંથી બનેલું શ્રીયંત્ર વૈષ્ણોદેવી માતાના ચરણોમાં અર્પણ કરાયું

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી અને અમદાવાદના જય ભોલે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે જમ્મુ-કાશ્મીર સ્થિત પવિત્ર યાત્રાધામ માતા વૈષ્ણોદેવીના દરબારમાં પંચધાતુમાંથી નિર્મિત ભવ્ય શ્રીયંત્ર તેમજ દેશની 51 શક્તિપીઠોની પાવન માટીમાંથી તૈયાર કરાયેલા વિશિષ્ટ શ્રીયંત્રનું શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવ્યું છે. વૈષ્ણોદેવી મંદિરના મુખ્ય પુજારીના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે બંને શ્રીયંત્રોનું ગર્ભગૃહમાં પ્રતિષ્ઠાપન સંપન્ન થયું હતું. જેના પગલે સમગ્ર પવિત્ર પરિસમાં અલૌક્કિ આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે જણાવ્યું હતું કે અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી જય ભોલે ગ્રુપ દ્વારા અંદાજિત 70 કિલો પંચધાતુમાંથી બનેલું પવિત્ર શ્રીયંત્ર વૈષ્ણોદેવી માતાના ચરણોમાં અર્પણ કરી તેનું મુખ્ય પૂજારીની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા બદલ તેમણે અંબાજી મંદિર ટ્રસ્ટ વતી જય ભોલે ગ્રુપ અમદાવાદ, દીપેશભાઈ અને તેમની સંપૂર્ણ ટીમ તેમજ માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ પ્રશાસનનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર આયોજનનું મુખ્ય કેન્દ્રબિંદુ દેશભરની 51 શક્તિપીઠોમાંથી એકત્રિત કરાયેલી પવિત્ર માટીમાંથી કંડારાયેલું વિશિષ્ટ શ્રીયંત્ર રહ્યું હતું. પૌરાણિક માન્યતા મુજબ જ્યાં-જ્યાં માતા સતીના અંગો પડયા હતા. તે તમામ શક્તિધામોની સામુહિક ચૈતન્ય ઉર્જાને આ એક જ યંત્રમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. જે ભારતની પ્રાચીન શક્તિ-ઉપાસના પરંપરાને એક તાંતણે બાંધતું અજોડ પ્રતીક છે. આ સાથે માતા ત્રિપુરસુંદરીની સાધનાના પ્રતીક સમાન પંચધાતુનું શ્રીયંત્ર પણ અર્પણ કરાયું હતું. આ બંને યંત્રોને શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે દક્ષિણ ભારતના ઐતિહાસિક શૃંગેરી શારદા પીઠમ્ ખાતે જગદ્રુરુ શંકરાચાર્ય વિધુશેખર ભારતી મહાસ્વામીજીના કરકમળો દ્વારા વિધિવત્ પૂજિત કરાવી તેમના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ગુજરાતનું આદ્યશક્તિ ધામ અંબાજી અને જમ્મુ-કાશ્મીરનું વૈષ્ણોદેવી ધામ દેશના કરોડો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનાં કેન્દ્રો છે. આ ભગીરથ પહેલ થકી બંને પવિત્ર શક્તિધામો વચ્ચે ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાનો અનોખો સેતુ રચાયો છે.51 શક્તિપીઠોની માટીના એકત્રીકરણથી લઈને કટરા ખાતે વૈષ્ણોદેવીના ચરણોમાં વિધિવત્ સ્થાપના સુધીની આ સફર જય ભોલે ગ્રુપની ધર્મનિષ્ઠા, સમર્પણ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેની અડગ શ્રદ્ધાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ, ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઈ મોદી તેમજ અમદાવાદના જય ભોલે ગ્રુપના દીપેશભાઈ સહિત તેમની સમગ્ર ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો