calendar_todayApril 3, 2026
Palitana News: શહેર અને ગ્રામ્ય પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, માવઠું પડતા લસણ-કેરીના પાકને નુકસાનની ભીતિ
ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પવનની ગતિ વધવાની સાથે જ કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી. પાલીતાણા શહેરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
પાલીતાણા શહેરના વિસ્તારમાં વરસાદી ઝાપટું
પાલીતાણાના રંડોળા, બુઢણા, મઢડા અને મોખડકા સહિતના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક સ્થળોએ કરા પડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળી છે, પરંતુ ખેતી ક્ષેત્રે ચિંતાના વાદળો છવાયા છે.
રંડોળા, બુઢણા, મઢડા, મોખડકા ગામોમાં વરસાદ
ખેડૂતોની ચિંતામાં વધારો આ કમોસમી વરસાદને કારણે પાલીતાણા પંથકના ખેડૂતોને મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને અત્યારે ખેતરોમાં તૈયાર થયેલા લસણ અને વાડીઓમાં ફાલ પર આવેલી કેરીના પાકને આ માવઠું ભારે પડી શકે તેમ છે. જો વરસાદી માહોલ લાંબો સમય ટકી રહેશે તો કેરીનો પાક ખરી પડવાની અને લસણના પાકમાં બગાડ થવાની શક્યતાને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો