android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal: જાંબુઘોડાના મુસ્લિમ ભાઇને બોડેલીની હિન્દુ બહેન 49 વર્ષથી રાખડી બાંધે છે

calendar_todayAugust 28, 2026

Panchmahal: જાંબુઘોડાના મુસ્લિમ ભાઇને બોડેલીની હિન્દુ બહેન 49 વર્ષથી રાખડી બાંધે છે

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીનો તહેવાર. આ પવિત્ર સંબંધને ધર્મની કોઈ સરહદ રોકી શકતી નથી. તેનું જીવંત ઉદાહરણ બોડેલીની પ્રેમીલાબેન જયસ્વાલ અને જાંબુઘોડાના દિવાન પરિવાર વચ્ચેના સંબંધમાં જોવા મળે છે.

બોડેલીના અલિપુરા વિસ્તારમાં રહેતા પ્રેમીલાબેન જયસ્વાલ છેલ્લા 49 વર્ષથી પોતાના સગા ભાઈઓ કરતાં પહેલાં જાંબુઘોડામાં રહેતા માનેલા મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે. ત્યારબાદ પોતાના સગા ભાઈઓને રાખડી બાંધવા જાય છે.

મૂળ જાંબુઘોડાના વતની પ્રેમીલાબેનનું દિવાન પરિવાર સાથે વર્ષો જૂનું ભાઈ-બહેનનું અતૂટ નાતું છે. આ સંબંધ માત્ર રક્ષાબંધન પૂરતો સીમિત નથી. બંને પરિવારો વર્ષોથી એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બને છે. પરિવારના પ્રસંગોમાં પણ બંને પરિવારો એકબીજાની પડખે ઊભા રહે છે. રક્ષાબંધનના પર્વે એક હિન્દુ બહેન દ્વારા પોતાના માનેલા મુસ્લિમ ભાઈઓના કાંડા પર બંધાયેલી રાખડીએ પ્રેમ, લાગણી, વિશ્વાસ અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો છે. 49 વર્ષથી જળવાઈ રહેલો આ સંબંધ આજે પણ સમાજમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે.

પ્રેમીલાબેનના કુલ 6 સગા ભાઈ અને 6 માનેલા મુસ્લિમ ભાઈઓ હતા. સમય જતાં બે હિન્દુ અને બે મુસ્લિમ ભાઈઓનું અવસાન થયું છે. આ વર્ષે પ્રેમીલાબેને 4 હિન્દુ અને 4 મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધી હતી. પ્રેમીલાબેનના પુત્ર સંદીપભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે, અમારા પરિવાર અને દિવાન પરિવાર વચ્ચે વર્ષોથી ભાઈ-બહેનનો સંબંધ છે. મારા અને મારી બહેનના મોસાળાના મામાઓ પણ આ જ પરિવારના છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો