android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal Road Accident: ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, એક જીવતો ભૂંજાયો

calendar_todayJanuary 9, 2026

Panchmahal Road Accident: ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, એક જીવતો ભૂંજાયો

પંચમહાલ જિલ્લામાં ગોધરા-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામલી ગામ પાસે બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનું કેબિનમાં જ સળગી જવાથી કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ હાઈવે પર સામલી ગામ નજીક ટાઇલ્સ ભરીને જતી એક ટ્રક અને ડેરી પ્રોડક્ટ્સ ભરેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે, એક ટ્રક બેકાબૂ બની રોડ સાઈડમાં આવેલા વીજ થાંભલા સાથે અથડાઈ હતી.

વીજ થાંભલા સાથે અથડાતા ટ્રક બની આગનો ગોળો

ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણને કારણે ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કમનસીબે, ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને બહાર નીકળે તે પહેલા જ આગમાં જીવતો સળગી ગયો હતો. આ અકસ્માતમાં અન્ય બે લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી તેમનો જીવ બચી ગયો છે.

ફાયર ફાઈટર્સે આગ પર મેળવ્યો કાબુ

આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.


આ પણ વાંચો - Godhara: પરવડી બાયપાસ પર કાળમુખો ટ્રક બે મકાનોમાં ઘૂસ્યો, દિવાલો ધરાશાયી થતા મોટું નુકસાન