calendar_todayOctober 16, 2026
Patadi : APMCની ચૂંટણીમાં આજે પરિણામ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ચૂંટણીમાં શુક્રવારે મતદાન યોજાયુ હતુ. જેમાં ખેડુત વિભાગની 10 બેઠકો 17 ઉમેદવારો મેદાને જંગમાં છે. ત્યારે ખેડુત વિભાગના નોંધાયેલા 482 મતદારોમાંથી 452 મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતુ. ત્યારે 9 3.78 ટકા મતદાન બાદ આજે યોજાનાર મત ગણતરીમાં ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં એપીએમસીમાં છેલ્લા થોડા માસથી ચૂંટણીઓનો માહોલ છે. અગાઉ જિલ્લાના મૂળી અને ધ્રાંગધ્રા એપીએમસીમાં ચૂંટણી યોજાઈ હતી. જયારે લખતર એપીએમસીમાં ચેરમેન-વાઈસ ચેરમેનની યોજાયેલ ચૂંટણી ડખે ચડી હતી. ત્યારે ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરના નીયામક દ્વારા તા. 23-7ના રોજ પાટડી એપીએમસીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થતા જ પાટડીના સ્થાનીક રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો. પાટડી એપીએમસીમાં ફોર્મ ભરવાના અંતીમ દિવસ સુધીમાં વેપારી વિભાગની 4 બેઠક માટે રાજેન્દ્રકુમાર ખોડીદાસભાઈ પટેલ, લલીતભાઈ ધરમશીભાઈ પટેલ, દેવેન્દ્રકુમાર હીરાભાઈ પાવરા અને હાર્દીકકુમાર મહેશભાઈ સીંધવે જ ફોર્મ ભરતા ચારેય ઉમેદવારો બીનહરીફ થયા હતા. જયારે ખેડુત વિભાગની 10 બેઠક માટે 38 ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણીમાં 1 ફોર્મ રદ્દ અને 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 10 બેઠકો માટે 17 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. ત્યારે તા. 16ને શુક્રવારે પાટડી એપીએમસીના ચૂંટણી અધીકારી અને જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) કોમલબેન ચૌધરી, નીકુલગીરી ગોસ્વામી દ્વારા ચૂંટણીમાં મતદાનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં મતદારોનો સવારથી ઉત્સાહ નજરે પડતો હતો. અને સવારથી જ મતદારોએ લાંબી લાઈનો લગાવી હતી. સાંજના 5 કલાક સુધી યોજાયેલ મતદાનમાં ખેડુત વિભાગના નોંધાયેલા 482માંથી 452 મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરતા 9 3.78 ટકા મતદાન થયુ છે. પાટડી એપીએમસીની ચૂંટણીમાં આજે તા. 17મીએ મત ગણતરી હાથ ધરાશે. જયારે બપોર સુધીમાં પરિણામો આવી જવાની શકયતા રહેલી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો