android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: શહેરમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જળબંબાકાર, મોટિસરા અને પીપળા ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

calendar_todayAugust 1, 2026

Patan: શહેરમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જળબંબાકાર, મોટિસરા અને પીપળા ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ વચ્ચે પાટણ શહેરમાં આજે કાળાડિબાંગ વાદળોના ઘેરાવા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પાટણવાસીઓને ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર 2 ઇંચ વરસાદમાં જ ધોવાઈ ગયા છે.

પાટણમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

શહેરમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ પડતાં જ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ખાસ કરીને શહેરના હાર્દસમા અને સતત ધમધમતા મોટિસરા વિસ્તાર તેમજ પીપળા ગેટ પોલીસ ચોકી આસપાસના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર કેડસમા અને ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર અત્યંત ધીમો પડી ગયો છે.

વાહનચાલકો અને વેપારીઓ હેરાન

પાટણના પીપળા ગેટ અને મોટિસરા વિસ્તારમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની છે. થોડોક જ વરસાદ પડે એટલે આ માર્ગો તળાવમાં ફેરવાઈ જાય છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો બંધ પડી જવાના કિસ્સાઓ બન્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત રસ્તા કિનારે આવેલી દુકાનો આગળ પાણી ભરાતાં સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પણ પ્રભાવિત થાય છે.

કાયમી નિવારણ લાવવા નગરજનોની માગ

પાટણના સ્થાનિક નાગરિકો અને વેપારી મંડળોમાં તંત્ર સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ચોમાસા પહેલા માત્ર કાગળ પર જ સફાઈ દર્શાવાય છે, વાસ્તવિકતામાં ગટર અને કેચપિટો બ્લોક હોવાથી પાણીનો નિકાલ થતો નથી. શહેરીજનો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે દર ચોમાસે વેઠવી પડતી આ યાતનામાંથી મુક્તિ અપાવી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે.

આ પણ વાંચો: Vadodara: કરજણમાં ઉપરવાસના વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહી, 10 ગામ હાઇ એલર્ટ પર