android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: ખેડૂત માતા-પુત્રની જાણ બહાર 2.90 લાખનું ધિરાણ લેવાઈ ગયું !

calendar_todayFebruary 3, 2026

Patan: ખેડૂત માતા-પુત્રની જાણ બહાર 2.90 લાખનું ધિરાણ લેવાઈ ગયું !

સમી તાલુકાના ભદ્રાડા ગામમાં એક ખેડૂત માતા-પુત્ર સામે છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. ગામમાં આવેલ સેવા સહકારી મંડળીમાં સભાસદ માતા અને પુત્રની જાણ બહાર મંડળીના પ્રમુખ, મંત્રી અને તત્કાલીન મેનેજરે ઉતારા મેળવી બારોબાર બંનેના ખાતામાં રૂ. 2.90 લાખનું ધિરાણ મેળવી લીધુ હતું. ખેડુત જ્યારે મામલતદાર કચેરીમાં ઉતારા કઢાવવા ગયા હતાં તે સમયે તેમની જમીન પર બોજો પડેલ હોવાની વિગતો બહાર આવતા ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ બેંક ખાતે અરજી કરી તપાસ કરાવતાં માતા પુત્રના નામે રૂ.2.90 લાખનું ધિરાણ બોલતું હોવાનું સામે આવતા ખેડુતે? મંત્રીને જાણ કરતા તેઓ દ્વારા ધિરાણ ચુકવી દેવાની હૈયાધારણ આપી હતી. પરંતુ ભરપાઈ ન કરતાં આખરે સમી પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

સમી તાલુકાના ભદ્રાડા ગામના ખેડુત રામાભાઈ પરમારે સમી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભદ્રાડા ગામે આવેલ સેવા સહકારી મંડળી 2/2025 થી ફ્ડચામાં મુકેલી છે. જેમાં તે સભાસદ હતાં. જેથી તમામ માહિતી મંત્રી કાન્તિભાઈ સચદે પાસે રહેતી હતી. જેથી તેમની સંયુક્ત જમીનમાં કોઈ ધિરાણ ન લીધેલ હોવા છતાં પણ 13 વર્ષ અગાઉ રૂ.1.50 લાખનું ધિરાણ તેમના નામે મંડળીના પ્રમુખ, મંત્રી અને તત્કાલીન મેનેજરે સાથે મળીને મેળવી લીધુ હતું. તેમજ તેમની માતા અજીબેન પરમારનું ખાતુ ન હોવા છતાં પણ ખાતુ ખોલાવીને તેમના નામે પણ ત્રિપુટીએ રૂ.1.40 લાખનું ધિરાણ મેળવી લીધું હતું. જેની જાણ બે વર્ષ અગાઉ સમી મામલતદાર કચેરીમાં ખેડૂત ઉતારા કઢાવવા માટે ગયા હતા તે સમયે ઉતારામાં ભદ્રાડા સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ મેળવ્યું હોવાનો બોજો દાખલ કરેલ હોવાનું જાણીને તેઓ ચોંકી ઉઠયા હતા. અને તેઓ દ્વારા ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ બેંકની મુખ્ય ઓફ્સિ મહેસાણા ખાતે અરજી કરી ધિરાણ અંગેની માહિતી માંગતા બંને માતા પુત્રના નામે બાકી ધિરાણ અંગેની જાણ થતા પ્રમુખ તથા મંત્રીને વાત કરતાં મંત્રી કાન્તિભાઈ સચદેએ પૈસા ભરી બોજો હટાવી લેવા હૈયાધારણ આપી હતી. પરંતુ હજુ સુધી ભરપાઈ ન કરી તેમની સાથે છેતરપિંડી આચરનાર ભદ્રાડા સેવા સહકારી મંડળીના પ્રમુખ ઠાકોર ઈશ્વરભાઈ કુંવરાભાઈ તથા મંત્રી કાન્તિભાઈ અંબારામભાઈ સચદે અને બેંકના તત્કાલીન મેનેજર વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો