calendar_todayFebruary 3, 2026
Patan: 73 વર્ષીય વૃદ્ધાને આધાર કાર્ડની સિસ્ટમે મૃત જાહેર કરી દીધા
પાટણમાં રહેતા એક 73 વર્ષિય વૃધ્ધા હાલમાં જીવીત હોવા છતાં પણ આધારકાર્ડ કોમ્પ્યુટર ડેટામાં તેઓ મૃત હોવાનું જણાતાં વૃધ્ધા ચોંકી ઉઠયા હતા. આ અંગે તેઓ દ્વારા પાટણ મામલતદાર કચેરી તથા જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી તપાસ કરાવ્યા બાદ જરૂરી પ્રક્રિયા કરી આધારકાર્ડ ફરથી શરૂ કરાવવા મથામણ ચાલુ કરી છે. તો બીજી તરફ્ પાટણના એક રાજકીય અગ્રણી દ્વારા પણ સંબંધિત વિભાગને લેટર લખી રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં આવેલ જ્વાળામુખીની પોળમાં રહેતા 73 વર્ષિય દવે રીટાબેન ભરતભાઈ આજથી બે મહિના અગાઉ બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયાં હતાં. તે સમયે તેમની ફ્ગિંર પ્રિન્ટ ન આવતાં અને ત્યારબાદ સસ્તા અનાજની દુકાન પર પણ ફ્ગિંર પ્રિન્ટ ન આવતાં તેઓ મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરાવતાં તેઓ મૃત હોવાની કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી હોવાનું ધ્યાને આવતા વૃધ્ધા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને ફરીથી આધારકાર્ડ શરૂ કરાવવા પ્રકિયા હાથ ધરી છે. સરકારી કોમ્પ્યુટર ડેટા એન્ટ્રીએ જીવીત વૃધ્ધાને મૃત જાહેર કરતાં હાલમાં વૃધ્ધાના આધારકાર્ડ વિના સઘળા લાભો છીનવાઈ ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. આ અંગે વૃધ્ધા રીટાબેન દવેએ સંદેશ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારૂં આધારકાર્ડ બંધ હોવાથી અને હાલમાં મૃત હોવાનું કમ્પ્યુટરમાં બતાવતાં ફ્ગિંર પ્રિન્ટ નથી આવતી. અને સરકારી અનાજ કે બેંકમાંથી પૈસા પણ નથી ઉપડતાં. જેથી સત્વરે આધારકાર્ડ ચાલું કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ બાબતે પાટણ જીલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે પણ સંબંધિત વિભાગને રજૂઆત કરતાં જણાવ્યું છે કે પાટણ જીલ્લાના ચાર જેટલા લોકોના આધારકાર્ડ મૃત જાહેર કર્યા છે જે તમામ હાલમાં જીવીત છે. અરજદારોના પેન્શન સહિત બેંક જેવા વિભાગોમાં આધારકાર્ડ વગર તકલીફ્ પડી રહી છે. જેથી સત્વરે ચાલું કરવામાં આવે તેવી માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે સુત્રો દ્વારા અન્ય બે મહિલાઓ સહિત એક પુરૂષના પણ આધારકાર્ડ બંધ થઈ ગયાં છે જે હાલમાં જીવીત છે તેવું જાણવા મળ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો