calendar_todayOctober 23, 2026
Patan: HNGUના પરીક્ષા ખંડમાં ડિજિટલ ગેજેટ્સ સાથે ચોરીનો પર્દાફાશ! પહેલા જ દિવસે 23 વિદ્યાર્થીઓ સકંજામાં
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા આયોજિત પરીક્ષાઓના પ્રારંભે જ ચોંકાવનારી ગેરરીતિઓ સપાટી પર આવી છે. સેમેસ્ટર-૩ અને સેમેસ્ટર-૫ ની પરીક્ષાના પ્રથમ દિવસે જ યુનિવર્સિટીની ફ્લાઇંગ અને ઓબ્ઝર્વર સ્કવોડ ટીમે પાટણ અને મહેસાણા જિલ્લાની વિવિધ કોલેજોમાં સપાટો બોલાવ્યો હતો. ઓચિંતા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન અલગ-અલગ 6 પરીક્ષા કેન્દ્રો પરથી કુલ 23 વિદ્યાર્થીઓ રંગેહાથ કોપી કરતા ઝડપાઈ ગયા હતા. પરીક્ષા ખંડમાંથી ગેરકાયદે લખાણવાળા સાહિત્ય તેમજ પ્રતિબંધિત ડિજિટલ ગેજેટ્સ જેવી વાંધાજનક સામગ્રી મળી આવતાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પાટણ અને મહેસાણાની 6 કોલેજોમાં સામૂહિક ગેરરીતિનો પર્દાફાશ
યુનિવર્સિટીની સતર્ક ઓબ્ઝર્વર ટીમે પાટણ અને મહેસાણા જિલ્લા હેઠળ આવતી ૬ સંવેદનશીલ કોલેજોમાં અચાનક દરોડા પાડ્યા હતા. સેમેસ્ટર-3 અને સેમેસ્ટર-5 ની પરીક્ષા આપી રહેલા 23 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કાપલીઓ, હસ્તલિખિત સાહિત્ય અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ડિજિટલ ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. તમામ 23 વિદ્યાર્થીઓ સામે નિયમાનુસાર સ્થળ પર જ 'કોપી કેસ' નોંધી તેમના પેપરો સીલ કરવામાં આવ્યા હતા.
10 હજાર સુધીનો દંડ અને 2 વર્ષ માટે પરીક્ષા પ્રતિબંધની જોગવાઈ
યુનિવર્સિટીના પરીક્ષા નિયમનપત્રક અનુસાર, ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની ગેરરીતિ તપાસ સમિતિ (Unfair Means Committee) સમક્ષ સુનાવણી માટે બોલાવવામાં આવશે. દોષિત સાબિત થયેલા વિદ્યાર્થીઓ સામે ગેરરીતિની ગંભીરતા મુજબ રૂપિયા 3,000 થી લઈને ₹10,000સુધીનો રોકડ દંડ ફટકારવામાં આવી શકે છે.આ ઉપરાંત, ગંભીર ગેરરીતિ અને ડિજિટલ સાધનોના ઉપયોગ બદલ વિદ્યાર્થીને ચાલુ પરીક્ષા રદ કરવા સહિત 1 થી 2 વર્ષ સુધી યુનિવર્સિટીની કોઈપણ પરીક્ષા આપવા પર કડક પ્રતિબંધ (ડિબાર) મૂકવાની જોગવાઈ પણ લાગુ થશે.