calendar_todayJanuary 19, 2026
Patan News: DJ બંધ થતા દારૂ વેચીશું એવી ધમકી માત્ર નાક દબાવવા માટે છે : સાંસદ ગેનીબેન ઠાકોર
ઠાકોર સમાજ દ્વારા થોડા દિવસો અગાઉ સમાજના બંધારણમાં સુધારા વધારા કરવામાં આવ્યા હતા. જેમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે કારણે ડીજે સંચાલકોમાં મોટા પાયે રોષ ફેલાયો છે. આ મામલે વિરોધ કરવા માટે પાટણમાં ડીજે સંચાલકો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે આ સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરને ડીજે વગાડવા પર પ્રતિબંધના નિર્ણયને પાછો લેવાની માગ કરી છે.ડીજે સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવતા ડીજે સંચાલકો બેરોજગાર બનશે.
ઓગડમાં સમાજના આગેવાનોએ બંધારણ ઘડ્યું
પાટણમાં ડીજે સંચાલકોના વિરોધને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ગેનીબહેને કહ્યું હતું કે, પોલીસનો ડર ના હોય ત્યારે આવા નિવેદનો થાય છે. પોલીસ જ દારૂબંધીને લઈ કડક ના હોય ત્યારે આવુ બને. ડીજે બંધ કરવાની માગ તમામ લોકોની હતી. ભાગી જવાની ઘટનામાં ડીજે જવાબદાર હોવાની પણ રજૂઆત હતી. ઓગડમાં સમાજના આગેવાનોએ બંધારણ ઘડ્યું હતું. બે લાખ લોકોની સહીઓ સાથે બંધારણ અમલમાં મુકવામાં આવ્યું છે.
ડીજે બંધ કર્યું એટલે દારુ વેચીશું એવું નિવેદન બ્લેકમેલિંગ
ગેનીબેને કહ્યું હતું કે, ડીજે બંધ કર્યું એટલે દારુ વેચીશું એવું નિવેદન બ્લેકમેલિંગ છે. આવા નિવેદનો સામે પોલીસ કાર્યવાહી કરે. બંધારણ વાંચતા વખતે મેં કહ્યું પણ હતું કે આ બંધારણ તમામ સમાજના લોકો રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત બે લાખ લોકોની સહીઓ લઈને અમલમાં મૂક્યું હતું. જ્યારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપી હતી કે કોઈને વાંધો હોય કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઇમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત.
ડીજે વાળાઓએ ગઈકાલે મિટિંગ કરી હતી જેનો મને ફોન આવ્યો
ગેનીબેને કહ્યું હતું કે, ડીજે વાળાઓએ ગઈકાલે મિટિંગ કરી હતી જેનો મને ફોન આવ્યો હતો. મેં કહ્યું આ કોઈ વ્યક્તિગત નિર્ણય નથી આ ત્રણ જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વ પક્ષીય આગેવાનો અને સમાજનો નિર્ણય છે. આવતા વર્ષે 4 જાન્યુઆરીએ બંધારણ દિવસની ઉજવણી થાય ત્યારે આ મુદ્દાની ચર્ચા થશે એ વખતે પુન વિચારણા માટે મૂકવામાં આવશે. ચાર જાન્યુઆરી 2027 સુધી તો આ બંધારણનું ઠાકોર સમાજ પાલન કરવાનો જ છે.
આ પણ વાંચોઃ Patan News: 'DJ પર પ્રતિબંધ મુકશો તો દારૂ વેચવાનું શરૂ કરીશું'