calendar_todayAugust 31, 2026
Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ
રાજ્યમાં ભાવનગર લઠ્ઠાકાંડની શાહી હજુ પૂરી સુકાઈ નથી, ત્યાં પાટણ જિલ્લામાંથી દારૂના દૂષણને કારણે વધુ બે યુવકે જીવ ગુમાવ્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના 40 વર્ષીય યુવક અને 35 વર્ષીય યુવકનું મોત દારૂ પીવાના કારણે નીપજ્યું છે. ગેરકાયદેસર રીતે કેનાલ પર વેચાતા ઝેરી દારૂના કારણે જ આ બે યુવકનો જીવ ગયો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. નાની વયે પરિવારના મુખ્ય કમાનાર મોભીનું છત્ર છીનવાઈ જતાં પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ચાણસ્માના ભાટસર અને ઈટોદા ગામના 2 યુવાનોએ જીવ ગુમાવ્યો
મળતી વિગતો મુજબ, પ્રથમ ઘટના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામમાં બની હતી, જ્યાં 40 વર્ષીય યુવકનું દારૂ પીવાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવની ગંભીરતા વચ્ચે ઈટોદા ગામના અન્ય એક 35 વર્ષીય યુવકનું પણ દારૂ પીવાથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. મૃતક યુવકના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેણે પહેલીવાર જ દારૂ પીધો હતો અને કેનાલ પર ખુલ્લેઆમ વેચાતા દારૂના કારણે તેનો જીવ ગયો છે. નાની વયે જ પરિવારના મોભી અને 2 નાના બાળકોના પિતાનું અવસાન થતાં બંને પરિવારો વેરવિખેર થઈ ગયા છે.

કેનાલ પર 150 થી 200 યુવાનોની લાઈન, ધારાસભ્યનો સ્ફોટક પર્દાફાશ
ઘટનાની જાણ થતાં જ ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તેમણે તંત્ર સામે અત્યંત ગંભીર આરોપો લગાવતા પર્દાફાશ કર્યો હતો કે, ચાણસ્માના ભાટસર પાસે આવેલી કેનાલ પર રોજ 150 થી 200 જેટલા યુવાનો દારૂ ખરીદવા માટે લાઈનમાં ઊભા રહે છે. ગામડે-ગામડે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે.
LCB અને પોલીસ અધિકારીઓ પર હપ્તા વસૂલીના આક્ષેપ
ધારાસભ્ય દિનેશ ઠાકોરે પાટણ LCB અને સ્થાનિક પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, LCB PI આર. જી. ઉનાગર અને કન્સ્ટેબલ કેતન પટેલની રહેમનજર અને હપ્તાખોરી હેઠળ જ દારૂ અને જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, PI આર. જી. ઉનાગરની ભાવનગર ખાતે બદલી થઈ ગઈ હોવા છતાં તેઓ હજુ પણ પાટણ LCBનો ચાર્જ સંભાળી રહ્યા છે.
DYCM હર્ષ સંઘવી સામે સવાલ અને આરપારની લડાઈની ચેતવણી
પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાને બદલે હપ્તાના દર વધારી દીધા છે, જેના કારણે બુટલેગરોએ દારૂના ભાવ વધારી દીધા હોવાનો સ્ફોટક દાવો પણ ધારાસભ્યએ કર્યો છે. આ મુદ્દે DGP અને SPને રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવી નથી. ધારાસભ્યએ DYCM હર્ષ સંઘવી સામે સવાલ ઉઠાવ્યો હતો કે, સરકારના કડક આદેશો છતાં પોલીસ કેમ દારૂ બંધ નથી કરાવતી? તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો તંત્ર પગલાં નહીં લે તો તેઓ પોતે ગામડે-ગામડે જઈને બુટલેગરો સામે જનતા રેડ અને વ્યાપક ઝુંબેશ ચલાવશે.
આ પણ વાંચો - Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ