calendar_todayJune 28, 2026
Patan News: હારીજમાં જાહેર રોડ પર યુવાને કરી રખડતા આખલા પર સવારી, જુઓ Video
પાટણના હારીજ હાઇવે પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવાન રખડતા આખલા પર સવાર થઈને જોખમી સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં કેટલાક લોકો પોતાના જીવને ગંભીર જોખમમાં મુકતા પણ રોકાતા નથી.ત્યારે આ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવાન ક્યારેક આખલાની પીઠ પર ઊભો રહી જાય છે તો ક્યારેક તેની સાથે જોખમી કરતબ કરી રહ્યો છે જેને જોઈને રાહદારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
આ યુવાન નશાની હાલતમાં હોવાની ચર્ચાઓ
આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે રખડતા આખલાઓ અવારનવાર રાહદારીઓ પર હુમલા કરતા હોય છે અને તે સ્વભાવે ખૂબ જ આક્રમક હોય છે.આવી સ્થિતિમાં જો અબોલ પ્રાણી સહેજ પણ ભડકશે અથવા ગુસ્સે થશે તો યુવાનનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ આખલા સાથેની કોઈ ખાસ દોસ્તી છે કે પછી એક મૂર્ખામીભર્યો ખેલ? લોકોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આ યુવાન નશાની હાલતમાં આખલા પર બેસી ગયો હતો.
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે?
વાયરલ થયેલા આ વીડિયોને લઈને લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે.સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો ફેમસ થવા માટે સુરક્ષાના તમામ માપદંડોને નેવે મૂકી રહ્યા છે.આ પ્રકારના જોખમી સ્ટંટ માત્ર તે યુવાન માટે જ નહીં પરંતુ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.શું આ યુવાન સામે તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થવાનું ચાલુ રહેશે તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ World News: અમેરિકાને ઈરાને વળતો જવાબ આપ્યો, આઠ સૈન્ય ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો