calendar_todayOctober 16, 2026
Pavagadh ખાતે 19 ઓક્ટોબરે ઉજવાશે આઠમ: યજ્ઞ-હવન અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ સ્પષ્ટતા
યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પાવન પર્વે માતાજીના દર્શનાર્થે લાખો માઈભક્તોનું મહેરામણ ઉમટી રહ્યું છે. આ વર્ષે આઠમ અને નોમ એક જ દિવસે આવતા હોવાથી આઠમની ઉજવણી રવિવારે કરવી કે સોમવારે, તેને લઈને ભક્તોમાં મોટો મૂંઝવણ અને પ્રશ્નો ઊભા થયા હતા. આ અંગે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરીને શ્રદ્ધાળુઓ માટે આઠમની તિથિ અંગેનું ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
19 ઓક્ટોબર સોમવારે ઉજવાશે આઠમ
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના ધામમાં આઠમની ઉજવણી 19 ઓક્ટોબર, સોમવારના રોજ જ કરવામાં આવશે. મહાકાળી ધામમાં આઠમના પાવન દિવસે વિશેષ યજ્ઞ અને હોમ-હવનનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ આહુતિ આપી ધન્યતા અનુભવશે.

દર્શનાર્થે માઈભક્તોનું મહેરામણ, ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા
હાલ નવરાત્રિના તહેવાર દરમિયાન પાવાગઢ ડુંગર પર માં મહાકાળીના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. આઠમના દિવસે દર્શનાર્થીઓનો ઘોડાપૂર ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ, સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા, લાઈન વ્યવસ્થા તેમજ પાર્કિંગ અંગે ખાસ સુચારુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.