calendar_todayApril 5, 2026
Petrol diesel price : પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની તૈયારી? કેન્દ્રએ ડ્યુટી ઘટાડી પણ રાજ્યએ હજુ નથી ઘટાડ્યો ભાવ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતીય તેલ બજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કાચા તેલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે દેશની સરકારી તેલ કંપનીઓ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આ સ્થિતિમાં હવે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં 75% નો ઉછાળો
પેટ્રોલિયમ મંત્રાલયના તાજા રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ ફેબ્રુઆરી 2026 માં $69.01 પ્રતિ બેરલ હતું, જે 1 એપ્રિલ, 2026 સુધીમાં વધીને $120.84 પર પહોંચી ગયું છે. એટલે કે માત્ર બે મહિનામાં ભાવમાં 75.10% નો વધારો થયો છે.
કેન્દ્રએ ડ્યુટી ઘટાડી, રાજ્યો કેમ નહીં?
તેલ કંપનીઓના વધતા જતા ઘાટાને પહોંચી વળવા અને જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે 27 માર્ચ, 2026 ના રોજ પેટ્રોલ અને ડીઝલ પર 10-10 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જોકે, મોટાભાગની રાજ્ય સરકારોએ હજુ સુધી પોતાનો ભાવ ઘટાડ્યો નથી.નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પણ રાજ્યોને ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) પર વેટ ઘટાડવા અપીલ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પ્રતિસાદ મળ્યો નથી.કેન્દ્રના ઘટાડા પછી પણ તેલ કંપનીઓને રાહત મળી નથી.હાલની સ્થિતિમાં કંપનીઓને પેટ્રોલ પર 14 રુપુયા પ્રતિ લિટરનું નુકસાન.ડીઝલ પર રુપિયા 20 પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું છે.
GST માં સામેલ કરવાથી શું થશે ફાયદો?
જાણીતા તેલ અર્થશાસ્ત્રી કિરીટ પરીખના જણાવ્યા અનુસાર, "પેટ્રોલ અને ડીઝલને GSTમાં સામેલ કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનાથી સમગ્ર દેશમાં એકસમાન ટેક્સ લાગુ થશે અને યુદ્ધ જેવી કટોકટીમાં કિંમતો પર નિયંત્રણ રાખવું સરળ બનશે."જો પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે, તો રાજ્ય સરકારોની વાર્ષિક અંદાજે 3 લાખ કરોડ રૂપિયાની વેટની કમાણી પર અસર પડી શકે છે, જે આ પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે.