calendar_todayAugust 11, 2026
નિકોલ ગુરુકુળ સર્કલ અને રિંગ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, દોઢ કિમી લાંબો ટ્રાફિક જામ, PHOTOS
અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ પૂર્વ વિસ્તારની સ્થિતિ અત્યંત કફોડી બની છે. નિકોલ વિસ્તારમાં આવેલા ગુરુકુળ સર્કલ પાસે માર્ગો પર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, વરસાદ બંધ થયાના 2 કલાક જેટલો સમય વિતી ગયો હોવા છતાં પણ માર્ગો પરથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે, જેનાથી સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
કચપિટ અને મેનહોલના ઢાંકણા શોધવામાં મનપા તંત્ર ફ્લોપ
પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો ઊભી થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા તો ખરા, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. સ્થળ પર પહોંચેલા અમદાવાદ મનપાના કર્મચારીઓને પાણીના નિકાલ માટે કચપિટ અને મેનહોલના ઢાંકણા જ મળી રહ્યા ન હતા. પાણીમાં ગરકાવ થયેલા ઢાંકણા ન મળતા પાણી ઉલેચવાની કે નિકાલની કામગીરી અટકી પડી હતી. મનપાની આ પ્રકારની અણધડ કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અમદાવાદ મનપા યોગ્ય તથા ઝડપી કામગીરી કરે તેવી માગ ઉઠી છે.