calendar_todayJanuary 29, 2026
Police Recruitment: શારીરિક કસોટીમાં મિત્રનો સાથ આપવો મોંઘો પડ્યો
હાલ ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના ગ્રાઉન્ડ પર સુરક્ષામાં ગંભીર ચૂક અને છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના બે મિત્રોએ દોડ પાસ કરવા માટે ફિલ્મી સ્ટાઈલમાં કાવતરૂં રચ્યું હતું, પરંતુ ટેકનિકલ ટીકની સતર્કતાને કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો છે.
કટર બ્લેડ લઈને ટ્રેક પર ઘૂસ્યો ઉમેદવાર
ખેડા પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થામાં ત્યારે છીંડા જોવા મળ્યા જ્યારે એક ઉમેદવાર ગ્રાઉન્ડ પર કટર બ્લેડ છુપાવીને ઘૂસી ગયો હતો. ભાવનગરના શિહોર તાલુકાના હિતેશ પરમારને પોતાની દોડ પૂરી કરવાની ક્ષમતા પર વિશ્વાસ ન હોવાથી તેણે પૂર્વ આયોજિત કાવતરૂં ઘડ્યું હતું. તેણે પગમાં બાંધેલી RFID (સેન્સર) ચિપ કટર વડે કાપી નાખી હતી.
એક મિત્રના પગમાં 4-4 ચિપ!
હિતેશે પોતાની ચિપ કાપીને તેના મિત્ર ઘનશ્યામ પરમારને આપી દીધી હતી. ઘનશ્યામ પોતાના પગમાં કુલ 4 RFID ચિપ લગાવીને દોડી રહ્યો હતો, જેથી સિસ્ટમમાં હિતેશની દોડ પણ પૂર્ણ બતાવે. જોકે, ટ્રેક પર દોડતા ઉમેદવારોની ગતિવિધિ શંકાસ્પદ જણાતા ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં હિતેશ (ચેસ્ટ નંબર 258) ચિપ વગર દોડતો પકડાયો હતો, જ્યારે ઘનશ્યામ પાસે વધારાની ચિપો મળી આવી હતી.
પોલીસ ફરિયાદ અને જપ્તી
આ મામલે I.U.C.A.W યુનિટના PI વી. એસ. પરમાર દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને ઉમેદવારો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી આરોપીઓના કોલ લેટર, આધાર કાર્ડ, ચાર RFID ચિપ અને ચિપ કાપવા માટે વપરાયેલા કટર બ્લેડનો ટુકડો જપ્ત કર્યો છે. આ ઘટનાએ પોલીસ ગ્રાઉન્ડ પરના સુરક્ષા ચેકિંગ સામે પણ સવાલ ઉભા કર્યા છે.