android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rahul ના માંસાહારીના નિવેદન પર આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિનો કટાક્ષભર્યો જવાબ

calendar_todaySeptember 14, 2026

Rahul ના માંસાહારીના નિવેદન પર આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિનો કટાક્ષભર્યો જવાબ

દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટના ગાલા ડિનરમાં સંપૂર્ણપણે શાકાહારી મેનૂને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે આઈસલેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલાફુર રાગ્નાર ગ્રિમસને 20 વર્ષ જૂનો એક મહત્વપૂર્ણ કિસ્સો શેર કર્યો છે. ગ્રિમસને યાદ કર્યું કે 2005માં આઈસલેન્ડની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને સંપૂર્ણપણે શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું.


આઈસલેન્ડ તરફથી કલામ અંગેની પ્રતિક્રિયા

ગ્રિમસને તેમના સત્તાવાર 'X' (ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું, "જ્યારે મેં ભારતના રાષ્ટ્રપતિ માટે રાજકીય ભોજન સમારંભ (સ્ટેટ બેન્ક્વેટ)નું આયોજન કર્યું હતું - જે કોઈ નોર્ડિક દેશની આવી પ્રથમ મુલાકાત હતી. ત્યારે મેં સંપૂર્ણપણે શાકાહારી મેનૂ પીરસ્યું હતું. તે 20 વર્ષ પહેલાંની વાત છે, અને તે પણ આઈસલેન્ડમાં, જ્યાં શાકાહારી હોવું સરળ નથી!"

1996 થી 2016 સુધી આઈસલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર ગ્રિમસને કલામની આઈસલેન્ડ અને વ્યાપક નોર્ડિક ક્ષેત્રની પ્રથમ મુલાકાત દરમિયાન તેમનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમની આ પોસ્ટ BRICS સ્ટેટ ડિનરમાં માત્ર શાકાહારી ભોજન પીરસવા બદલ કરવામાં આવેલી મજાકભરી ટિપ્પણીઓના જવાબમાં આવી હતી.


ગાલા ડિનરમાં શું પીરસવામાં આવ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત મંડપમ ખાતે BRICS નેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. મેનૂમાં ભારતીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પરંપરાગત અને આધુનિક શાકાહારી વાનગીઓ હતી. પીરસવામાં આવેલી વાનગીઓમાં ખાંડવી, પનીર લબાબદાર, ગુચ્છી મર્મિક, બાજરા પુલાવ, મશરૂમ ગલોટી અને જલેબીનો સમાવેશ થતો હતો.


કોંગ્રેસનો આરોપ

BRICS સમિટમાં સંપૂર્ણપણે શાકાહારી રાત્રિભોજનના એક દિવસ બાદ, રવિવારે કોંગ્રેસ પાર્ટીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ હવે વિશ્વભરમાંથી આવતા મહેમાનો પર તેની "અત્યંત સમસ્યારૂપ" આહાર પસંદગીઓ લાદી રહ્યું છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 80% ભારતીયો માંસાહારી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ X, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું, "માહિતી માટે - 80% ભારતીયો માંસાહારી છે. ભારતીય માંસાહારી ભોજન સ્વાદિષ્ટ હોય છે, અને મારી બહેનના છોલે-ભટુરે પણ." તેમણે ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવેલા છોલે-ભટુરેની તસવીર પણ પોસ્ટ કરી હતી. જોકે રાહુલ ગાંધીએ BRICS ડિનરનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ કોંગ્રેસ પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાએ ડિનર મેનૂનો સ્ક્રીનશોટ શેર કર્યો અને ભાજપ પર નિશાન સાધ્યું. ખેડાએ 'X' પર કહ્યું, "સાથી ભારતીયો પર પોતાની ખાનપાનની પસંદગીઓ થોપવાની ભાજપની આદત પહેલેથી જ અત્યંત સમસ્યારૂપ છે. હવે, તેઓએ વિશ્વભરમાંથી આવતા મહેમાનો પર પણ પોતાની પસંદગીઓ થોપીને આ બાબતને એક ડગલું આગળ વધારી છે."

'શું સરકારને ભારતની વિવિધતા પર શરમ આવે છે?'

તેમણે ટિપ્પણી કરી કે ભારત વિવિધતા અને ભોજનની વિવિધતાથી સમૃદ્ધ દેશ છે, જ્યાં અસંખ્ય ઉત્તમ માંસાહારી વાનગીઓ ઉપલબ્ધ છે જેને વિશ્વભરના લોકો પસંદ કરે છે અને માણે છે. ખેડાએ સવાલ ઉઠાવ્યો કે મોદી સરકારે ભારતીય સંસ્કૃતિના આ પાસાને છુપાવવાનો નિર્ણય કેમ લીધો. કોંગ્રેસ નેતાએ પૂછ્યું, "શું તેમને તે વિવિધતા પર જ શરમ આવે છે જે ભારતને ભારત બનાવે છે?"


'વિશ્વભરના નેતાઓએ ભારતીય ભોજનનો આનંદ માણ્યો; કોંગ્રેસ રાજકારણ રમી રહી છે'

જોકે, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસની ટીકા પર આકરા પ્રહારો કર્યા. રિજિજુએ કહ્યું, "મને વિશ્વાસ નથી આવતો કે કોંગ્રેસ પક્ષ BRICS દેશોના નેતાઓને પીરસવામાં આવેલા ભોજનના મેનૂ પર પણ રાજકારણ રમી રહ્યો છે. અમારા મહેમાનોએ ભારતીય શાકાહારી વાનગીઓનો આનંદ માણ્યો, જે સ્વાદ અને પોષણથી ભરપૂર છે અને જેમા અલગ-અલગ ક્ષેત્રીય પરંપરા સામેલ છે. 

આ પણ વાંચો: Weather Update: ક્યાકં વાવાઝોડું તો ક્યાંક વીજળી... 70-80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ભારે વરસાદને લઈને આપ્યું એલર્ટ