calendar_todayOctober 27, 2026
Rajasthan: 10 મહેમાનોના સ્વાગત માટે 700 ફૂલમાળા? જયપુર નગર નિગમના ખર્ચ પર સવાલ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં નગર નિગમની ઉદ્યાન શાખામાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફૂલમાળા ખરીદીમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. નગર નિગમના અધિકારીઓએ સ્વાગત અને સન્માન કાર્યક્રમોના નામે માત્ર 8 મહિનામાં ₹17 લાખથી વધુની ફૂલમાળા ખરીદી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ચોંકાવનારી વાત એ છે કે તમામ ફૂલમાળા એક જ ફર્મ પાસેથી ખરીદવામાં આવી હતી અને તેના ભાવ બજારકિંમત કરતાં લગભગ બમણા હોવાનું કહેવાય છે. દરેક કાર્યક્રમમાં ફૂલમાળાની ખરીદી અલગ-અલગ દરે કરવામાં આવી હતી.
નગર નિગમની ઉદ્યાન શાખાએ વિકાસકાર્યોના ઉદ્ઘાટન, શિલાન્યાસ અને અન્ય કાર્યક્રમો માટે એક ફર્મ પાસેથી ફૂલમાળા ખરીદી હતી. આઠ મહિનામાં કુલ 35 કાર્યક્રમો માટે ₹17 લાખથી વધુની ખરીદી દર્શાવવામાં આવી હતી. આરોપ છે કે ફૂલમાળાના ભાવ બજારકિંમત કરતાં લગભગ બમણા રાખવામાં આવ્યા હતા.
10 મહેમાનોના સ્વાગત માટે 700 ફૂલમાળા ખરીદી!
ખરીદીમાં સૌથી ચોંકાવનારી બાબત ફૂલમાળાની સંખ્યા છે. અનેક કાર્યક્રમોમાં માત્ર 5થી 10 મહેમાનો હાજર હોવા છતાં, રેકોર્ડમાં તેમના સ્વાગત માટે 400થી 700 ફૂલમાળા ખરીદવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. નગર નિગમ દ્વારા વિકાસકાર્યોના ઉદ્ઘાટન, શિલાન્યાસ, વાહનોને લીલી ઝંડી આપવાના કાર્યક્રમો, કર્મચારીઓની નિવૃત્તિ પાર્ટી, અભિનંદન સમારંભ, જનસુનાવણી અને સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો માટે ફૂલમાળાની ખરીદી કરવામાં આવી હતી.
ગુલાબ, મોગરા અને ગજરા પાછળ પણ લાખોનો ખર્ચ
જયપુર નગર નિગમે ગયા વર્ષના જૂનથી આ વર્ષના ફેબ્રુઆરી સુધી ગુલાબ, મોગરા અને નૌરંગાની ફૂલમાળા ઉપરાંત ફૂલોના ગજરા, ગુલાબની પાંખડીઓ, ફૂલોના બંચ અને રોઝ સ્ટિકની ખરીદી કરી હતી. આ ઉપરાંત સાદા અને ખાસ પ્રકારના બુકે તેમજ ફૂલોની બાસ્કેટ પણ ખરીદવામાં આવી હતી. માત્ર બુકે અને બાસ્કેટની ખરીદી પાછળ જ ₹2 લાખથી વધુનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. ખરીદીના જથ્થા અને ભાવને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
અગાઉ પણ ACBના રડાર પર રહી છે ઉદ્યાન શાખા
જયપુર નગર નિગમની ઉદ્યાન શાખા અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચર્ચામાં રહી છે. ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો (ACB) દ્વારા આ શાખામાં અગાઉ પણ અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક કેસની તપાસ હજુ પણ બાકી હોવાનું જણાવવામાં આવે છે. આવી સ્થિતિમાં ફૂલમાળાની ખરીદીમાં સામે આવેલી કથિત ગેરરીતિઓને કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભૂમિકા પર ફરી સવાલો ઊભા થયા છે. જોકે, આ આરોપો અંગે સંબંધિત અધિકારીઓ અને ફર્મનો પક્ષ હજુ સામે આવ્યો નથી.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d