calendar_todayJanuary 25, 2026
Rajasthan: 26 જાન્યુઆરી પૂર્વે સુરક્ષા એજન્સીઓનો મોટો એક્શન, નાગૌરમાંથી 10,000 કિલો વિસ્ફોટક જપ્ત
26 જાન્યુઆરીના ગણતંત્ર પર્વ પૂર્વે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, ત્યારે રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે એક ગુપ્ત ઓપરેશન દરમિયાન 10,000 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ સહિત વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
ખેતરના ઘરમાં છુપાવ્યો હતો મોતનો સામાન
પ્રાપ્ત વિગતો અનુસાર, નાગૌર પોલીસને બાતમી મળી હતી કે એક ખેતરના મકાનમાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ખેતરના એક રૂમમાં 10,000 કિલોગ્રામ (10 ટન) એમોનિયમ નાઈટ્રેટ અત્યંત જોખમી રીતે રાખવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીસે મોટી સંખ્યામાં ડેટોનેટર અને ફ્યુઝ વાયર પણ જપ્ત કર્યા છે.
સુલેમાન નામના શખ્સની ધરપકડ
પોલીસે આ મામલે સુલેમાન નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સુલેમાન કોઈ નવો ગુનેગાર નથી; તેની પર અગાઉ પણ ગેરકાયદેસર વિસ્ફોટકો રાખવાના ત્રણ ગંભીર કેસો નોંધાયેલા છે. વારંવાર પકડાયા હોવા છતાં તે આ કાળા કારોબારમાં સંડોવાયેલો રહ્યો છે.
ગેરકાયદેસર ખાણકામ કે આતંકી કનેક્શન?
પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી મળી છે કે આ વિસ્ફોટકોનો જથ્થો ગેરકાયદેસર ખાણકામ (Mining) માટે સંગ્રહિત કરવામાં આવ્યો હતો. જોકે, ૨૬ જાન્યુઆરીની સુરક્ષાને ધ્યાને રાખતા એજન્સીઓ આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી. એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ અગાઉ અનેક મોટા બોમ્બ બ્લાસ્ટમાં થઈ ચૂક્યો હોવાથી, પોલીસ આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો અન્ય કોઈ વિધ્વંસક હેતુ હતો કે કેમ તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.