calendar_todayOctober 11, 2026
Rajkotમાં મામાના રૂ.11 લાખ હજમ કરવા ભાણેજે રચ્યું લૂંટનું બોગસ નાટક!
રાજકોટ શહેરના નાના મવા રોડ પર ધોળા દિવસે યોજાયેલી રૂ.11 લાખની શંકાસ્પદ લૂંટની ઘટનામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સનસનાટીભર્યો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન આ સમગ્ર લૂંટ એક ઉપજાવી કાઢેલું નાટક હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય સૂત્રધાર ધીરેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના મામા હરદેવસિંહ પાસેથી રૂ.11 લાખ ઉછીના લીધા હતા. આ માતબર રકમ પરત આપવી ન પડે અને પોતાની કાયદેસરની આર્થિક જવાબદારીમાંથી છટકી શકાય તે માટે તેણે જાતે જ લૂંટનું કાવતરું ઘડી કાઢ્યું હતું.
અઢી-અઢી લાખની લાલચ આપી બે મિત્રોને મદદગાર બનાવ્યા
ધીરેન્દ્રસિંહ વાઘેલાએ આ બોગસ લૂંટના નાટકને અંજામ આપવા માટે પોતાના બે મળતિયાઓ ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવાને પ્લાનમાં સામેલ કર્યા હતા. લૂંટનો બનાવ સાચો બતાવવામાં મદદ કરવા બદલ ધીરેન્દ્રસિંહે આ બંને સાગરીતોને રૂ.2.5 - 2.5 લાખ રોકડા આપવાની લાલચ આપી હતી. યોજના મુજબ રસ્તા પર ખોટી લૂંટ દર્શાવીને પોલીસ તંત્રને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને તાલુકા પોલીસને સોંપ્યા
ઘટનાની ગંભીરતા જોઈને તપાસમાં જોડાયેલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ બાબતો અને સીસીટીવી ફુટેજના આધારે કડક પૂછપરછ કરતાં ધીરેન્દ્રસિંહ ભાંગી પડ્યો હતો અને લૂંટનો બનાવ બનાવટી હોવાની કબૂલાત કરી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કાવતરું ઘડનાર ધીરેન્દ્રસિંહ વાઘેલા તથા તેના મદદગાર ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવાની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી અર્થે તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો