calendar_todayJune 5, 2026
Rajkot : પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા રાજા ચાવડા સામે દુષ્કર્મ, અપહરણ અને 20 લાખની ખંડણીની ફરિયાદ
રાજકોટના રાજકારણ અને સ્થાનિક પંથકમાં ભારે સનસનાટી મચાવતો એક હાઈપ્રોફાઈલ ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાના ભત્રીજા અને જિલ્લા પંચાયતની બેડી સીટના પ્રતિનિધિ સુમિતા ચાવડાના પતિ રાજેશ ઉર્ફે રાજા ચાવડા વિરુદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છ પંથકની એક 20 વર્ષીય યુવતી દ્વારા ભાજપ અગ્રણીના ભત્રીજા સહિત પરિવારના સભ્યો સામે બળાત્કાર, મારપીટ અને ગોંધી રાખવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાવાતા ચકચાર મચી ગઈ છે.
રામ છૈયાના ઘરે ગેરકાયદેસર રીતે બંધક બનાવી
પીડિત યુવતીના આક્ષેપ અનુસાર, આરોપી રાજા ચાવડા, રામ છૈયા, શ્યામ છૈયા અને મુકેશ છૈયા સહિતના શખ્સોએ તેને શિકાર બનાવી હતી. આરોપીઓએ પીડિતાને બે મહિના સુધી રામ છૈયાના ઘરે ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખી હતી અને તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આરોપી રાજા ચાવડાએ પોતાની પાસે રહેલું પરવાનાવાળું હથિયાર યુવતીના લમણે મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 20 લાખની જંગી ખંડણીની માંગણી પણ કરી હતી.
ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર
આ મામલે સૌપ્રથમ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદમાં તપાસ માટે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો છે. આજીડેમ પોલીસે દુષ્કર્મ, અપહરણ, ખંડણી અને મારમારીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસનો ઢાંકપિછોડો
જો કે, ફરિયાદમાં હથિયાર બતાવી ધમકાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, પોલીસે આર્મ્સ એક્ટ ની કલમ ઉમેરી નથી. આરોપી શાસક પક્ષ ભાજપ સાથે સંકળાયેલો હોવાથી પોલીસે કલમ દાખલ કરવામાં ઢીલ મૂકી છે કે કેમ, તેવા ગંભીર સવાલો પણ હાલ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે.