android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો

calendar_todaySeptember 8, 2026

Rajkot: પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામ નજીક હાઇવે પર એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી આશરે ૨૫,૦૦૦ લીટર જેટલો પેટ્રોલનો જથ્થો ભરીને ગોંડલ તરફ જઈ રહેલા એક ટેન્કરમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઇંધણ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં જ ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગ્યા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે દહેશત તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ

આગ લાગતાં જ ટેન્કરના ચાલકે પ્રાથમિક તબક્કે સમયસૂચકતા દાખવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને તુરંત જ જામકંડોરણા પોલીસ તથા મામલતદાર કચેરીને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જામકંડોરણા મામલતદાર, સ્થાનિક પોલીસ કાફલો તેમજ કાલાવડ, જામકંડોરણા અને જેતપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટેન્કર બ્લાસ્ટ થવાની શક્યતાને પગલે પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને મુખ્ય માર્ગનો આશરે ૧ કિલોમીટર સુધીનો વિસ્તાર બંને બાજુથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દીધો હતો.

3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો

ફાયર ફાઇટરોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને ટેન્કરના મુખ્ય ટેન્ક સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અટકાવી હતી. કલાકોની કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાતાં એક મોટો વિનાશક વિસ્ફોટ ટળ્યો હતો. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા માર્ગ પરથી વાહનવ્યવહાર પુનઃ પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી