android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: જસદણમાં હત્યા કેસમાં 4 પોલીસ સ્ટેશનની ટીમ અને LCB-SOGના કાફલા સાથે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા

calendar_todayFebruary 18, 2026

Rajkot: જસદણમાં હત્યા કેસમાં 4 પોલીસ સ્ટેશનની ટીમ અને LCB-SOGના કાફલા સાથે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા

જસદણના શિવરાજપુર નજીક બનેલી છગનભાઈ ઝાપડીયાની ઘાતકી હત્યાના મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. જસદણ પોલીસે પકડાયેલા ત્રણ આરોપીઓને સાથે રાખી આજે ઘટનાસ્થળે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી હતી.

પોલીસ કાફલા વચ્ચે રિકન્સ્ટ્રક્શન

ઘટનાની સંવેદનશીલતાને જોતા રિકન્સ્ટ્રક્શન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ છાવણી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ કામગીરીમાં જસદણ, ભાડલા, વિંછીયા અને આટકોટ પોલીસની ટીમો જોડાઈ હતી. રાજકોટ રૂરલ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) નો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પોલીસે આરોપીઓ દ્વારા હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો અને કયા હથિયારોનો ઉપયોગ થયો તે અંગેના પુરાવા એકત્રિત કર્યા હતા.

રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાની આશા

નામદાર કોર્ટે પકડાયેલા ત્રણ મુખ્ય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ હત્યા પાછળના મુખ્ય સૂત્રધારો અને અન્ય સંડોવાયેલા શખ્સોના નામ ખૂલે તેવી પૂરેપૂરી સંભાવના છે.આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ, હત્યાનો ભોગ બનનારના સંબંધીઓ સામે પણ કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ ક્રોસ ફરિયાદ નોંધાતા મામલો વધુ પેચીદો બન્યો છે. આ હત્યાકાંડને પગલે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને ન્યાયની માંગ પ્રબળ બની છે.

આ પણ વાંચો: Surat: પે એન્ડ યુઝ શૌચાલય બન્યું ડ્રગ્સનું અડ્ડો, લાલગેટ પોલીસે MD ડ્રગ્સ સાથે અરબાઝ શેખને દબોચ્યો