calendar_todayMarch 22, 2026
Rajkot: મનપાનો 455 કરોડનો લક્ષ્યાંક, અત્યાર સુધી 410 કરોડની વસૂલાત
નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મનપા દ્વારા ચાલુ વર્ષે ₹455 કરોડના મિલકત વેરા વસૂલાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેની સામે અત્યાર સુધીમાં ₹410 કરોડની વસૂલાત કરી લેવામાં આવી છે. બાકી રહેતા ₹45 કરોડ વસૂલવા માટે તંત્રએ રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
સરકારી કચેરીઓનો કરોડોનો વેરો બાકી
મનપાની વેરા વસૂલાતની કામગીરીમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે સામાન્ય નાગરિકો વેરો ભરી રહ્યા છે પરંતુ શહેરની વિવિધ સરકારી કચેરીઓનો જ ₹90 કરોડ જેટલો માતબર વેરો બાકી છે. મનપા દ્વારા હવે આ સરકારી સંસ્થાઓ પાસેથી પણ કડક હાથે વસૂલાત કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
રજાના દિવસે પણ ભરી શકાશે વેરો
શહેરના અંદાજે 4.44 લાખ કરદાતાઓએ અત્યાર સુધીમાં પોતાનો મિલકત વેરો ભરીને જાગૃતિ દાખવી છે. માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુવિધા માટે મનપાએ રજાના દિવસોમાં પણ વેરો સ્વીકારવાની જાહેરાત કરી છે. જેથી નોકરીયાત વર્ગ કે જેઓ ચાલુ દિવસોમાં વેરો ભરી શકતા નથી, તેઓ રજાના દિવસે મનપાના વોર્ડ ઓફિસ કે ઓનલાઇન માધ્યમથી પોતાનો ટેક્સ જમા કરાવી શકે. 31 માર્ચ સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા માટે તંત્ર દ્વારા સીલિંગ અને જપ્તી જેવી કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: હજીરાના મોરા ગામમાં મીની વાવાઝોડાએ લીધો ભોગ, ઝાડ નીચે દબાઈ જવાથી યુવકનું કરુણ મોત