calendar_todayApril 13, 2026
Rajkot: ભાજપ બાદ કોંગ્રેસે પણ રણનીતિ બદલી, વોર્ડ નંબર 7 માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાતા પ્રીતિબેન ગોહિલ ભાવુક
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત બાદ પણ ફેરફારનો સિલસિલો યથાવત છે. ભાજપ દ્વારા વોર્ડ નંબર 7 માં ઉમેદવાર બદલાયા બાદ હવે કોંગ્રેસે પણ આ જ વોર્ડમાં મોટો ફેરફાર કર્યો છે. કોંગ્રેસે જાહેર કરેલા મહિલા ઉમેદવાર પ્રીતિબેન ગોહિલની ટિકિટ છેલ્લી ઘડીએ કાપીને હંસાબેન ગુજરિયાને મેદાને ઉતારતા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે.
30 વર્ષની વફાદારી બાદ વિશ્વાસઘાતનો આક્ષેપ
ટિકિટ કપાતા નારાજ થયેલા પ્રીતિબેન ગોહિલ મીડિયા સમક્ષ વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે અત્યંત આક્રોશ અને દુઃખ સાથે જણાવ્યું હતું કે, “કોંગ્રેસે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.” પ્રીતિબેન અને તેમના પતિ નિલેશભાઈ ગોહિલ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પક્ષની મજબૂતી માટે કામ કરી રહ્યા છે. તેમ છતાં છેલ્લી ઘડીએ પક્ષે તેમનું પત્તું કાપી નાખતા તેઓ ભાંગી પડ્યા છે.
ચૂંટણી ગણિતમાં ફેરફાર
વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ દ્વારા પહેલા પ્રીતિબેનનું નામ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક પક્ષે હંસાબેન ગુજરિયાને ટિકિટ આપી ફોર્મ ભરાવ્યું છે. આ ફેરફાર પાછળનું કારણ જ્ઞાતિગત સમીકરણો છે કે આંતરિક જૂથબંધી તે અંગે રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે. જોકે, એક તરફ ભાજપમાં અસંતોષ હતો ત્યારે હવે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકરોમાં પણ રોષ જોવા મળતા ચૂંટણીનું ચિત્ર રસપ્રદ બન્યું છે.