calendar_todayJanuary 7, 2026
Rajkot માં કોળી યુવાન પર હુમલાનો કેસ, ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને દબોચ્યા, DCP એ આપી વિગતો
રાજકોટમાં દાલ પકવાનના વેપારી એવા કોળી યુવાન પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ગંભીર ગુના અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, હુમલાખોરોને ઝડપી પાડવા માટે રચવામાં આવેલી ટીમોએ સઘન તપાસના અંતે ત્રણ ફરાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓમાં દેવશી બાબુતર, શ્યામ બાબુતર અને કિશનનો સમાવેશ થાય છે. આ શખ્સોએ સામાન્ય બોલાચાલી કે અદાવતમાં વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં રોષ જોવા મળ્યો હતો.
શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલામાં કુલ પાંચ શખ્સો સામેલ હતા, જેમાંથી ત્રણ આરોપીઓ હવે પોલીસની કસ્ટડીમાં છે. જોકે, આ કેસમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો હજુ પણ ફરાર છે અને પોલીસની પકડથી દૂર છે. ડીસીપીએ ખાતરી આપી છે કે બાકીના બે આરોપીઓના સંભવિત રહેઠાણો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેમને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. હાલ પકડાયેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે જેથી હુમલા પાછળના મુખ્ય કારણો અને હથિયારો વિશે વધુ વિગતો જાણી શકાય.
આ પણ વાંચો : Budget 2026: બજેટમાં ખેડૂતોને રાહતની અપેક્ષા, શું કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારાશે?