calendar_todayJanuary 8, 2026
Rajkot થી કોલકાતા સુધી EDનો સપાટો, રેલવે સહિત 10 સરકારી વિભાગોના નામે ચાલતું રેકેટ ઝડપાયું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે દેશભરમાં સરકારી નોકરીના નામે આચરવામાં આવતી ઠગાઈના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ સહિત દેશના 6 રાજ્યોમાં કુલ 15 સ્થળોએ EDની ટીમો ત્રાટકી છે. આ તપાસમાં રાજકોટ, ગોરખપુર, ઈલાહાબાદ, લખનૌ, બિહારના મુઝફ્ફરપુર અને મોતિહારી તેમજ કોલકાતા, ચેન્નઈ અને કેરળના વિવિધ લોકેશનનો સમાવેશ થાય છે. આ ગેંગ દ્વારા રેલવે સહિત 10 જેટલા સરકારી વિભાગોમાં ભરતીના નામે નિર્દોષ બેરોજગારો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
દેશના 15 સ્થળોએ EDનું સર્ચ ઓપરેશન
આ ઠગ ગેંગની કાર્યપદ્ધતિ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા છે. લોકોને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓ સરકારી વિભાગો જેવા જ દેખાતા ખોટા ઈમેલ આઈડી બનાવીને નકલી કોલ લેટર અને નિયુક્તિ પત્રો મોકલતા હતા. એટલું જ નહીં, કોઈને શંકા ન જાય તે માટે તેઓ કેટલાક ભોગ બનનાર ઉમેદવારોના બેંક ખાતામાં બે-ત્રણ મહિના સુધી 'પગાર' પણ જમા કરાવતા હતા. આ નકલી પગારની પદ્ધતિને કારણે લોકો છેતરાઈ જતા અને વધુ નાણાં ગુમાવતા હતા. હાલમાં EDએ ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો જપ્ત કરી આ મની લોન્ડરિંગના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો : Weather News : હવામાન વિભાગે કરી મોટી આગાહી, બેવડી ઋતુ બાદ હવે હાડ થીજવતી ઠંડીની એન્ટ્રી