calendar_todayApril 13, 2026
Rajkot: GST બોગસ બિલિંગના મહાકૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો: બે વર્ષની ફરારી બાદ ભાવનગરનો 'લાલો' પકડાયો
ગુજરાતમાં જીએસટી (GST) બોગસ બિલિંગ દ્વારા સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાના રેકેટમાં રાજકોટ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. ભાવનગર કેન્દ્રિત બોગસ બિલિંગ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર, જે છેલ્લા બે વર્ષથી પોલીસની પકડથી દૂર હતો, તેને આખરે રાજકોટમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
ભાવનગરમાં GSTના બોગસ બિલ બનાવ્યા
ઝડપાયેલા આરોપીની ઓળખ ભાવનગરના લાલા ઉર્ફે સાહિલ તરીકે થઈ છે. સાહિલ બોગસ પેઢીઓ ઊભી કરીને કરોડો રૂપિયાના ખોટા બિલો બનાવવાના નેટવર્કનો મુખ્ય સંચાલક હોવાનું મનાય છે. ભાવનગરમાં સર્જાયેલા મોટા જીએસટી કાંડમાં તેનું નામ ખુલ્યા બાદ તે સતત પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો.
ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી સાહિલ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની સામે અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 5 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. છેલ્લા બે વર્ષથી તે પોતાની ધરપકડ ટાળવા માટે છુપાઈને રહેતો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે રાજકોટ પોલીસે તેને દબોચી લીધો છે.