calendar_todaySeptember 2, 2026
Rajkot Janmashtami Lok Mela 2026: 'વિરાસત થી વિકાસ' લોકમેળાનો મંગળ પ્રારંભ, રાઈડ્સને મંજૂરી મળી?
રંગિલા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો 2 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ થયો છે. આ વર્ષે 'વિરાસત થી વિકાસ' થીમ આધારિત યોજાયેલા આ લોકમેળાનું ઉદ્ઘાટન એક સફાઈકર્મીના હસ્તે કરાવીને સામાજિક સમરસતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા સહિતના અનેક રાજકીય અગ્રણીઓ અને પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકમેળો આજથી શરૂ થઈને આગામી 6 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે.
પ્રથમ દિવસે રાઈડ્સ બંધ રહેતાં મેળાની રંગત ફિક્કી પડી
ઉદ્ઘાટનના પહેલા જ દિવસે લોકમેળામાં પહોંચેલા સહેલાણીઓમાં થોડી નિરાશા જોવા મળી હતી. ફિટનેસ અને એનઓસી પ્રક્રિયાના કારણે મેળાની મોટાભાગની યાંત્રિક રાઈડ્સ બંધ રાખવામાં આવી હતી. મેળાવડામાં આવેલી કુલ 34 માંથી માત્ર 2 જ રાઇડ્સને તંત્ર દ્વારા મંજૂરી મળતાં શરૂ થઈ શકી હતી. જેને પગલે પ્રથમ દિવસે રાઈડ્સના અભાવે મેળાની રંગત થોડી ફિક્કી સાબિત થઈ હતી.
નાની રાઈડ્સ શરૂ થતાં બાળકો અને લોકોએ માણી મોજ
જોકે, મોટા ચકડોળ અને મોટી રાઈડ્સ બંધ હોવા છતાં નાની રાઈડ્સ તેમજ વિવિધ સ્ટોલ્સ શરૂ થઈ જતાં લોકોએ મેળાની મોજ માણવાનું શરૂ કરી દીધું હતું. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી રાત્રિ સુધીમાં અન્ય તમામ રાઇડ્સ પણ શરૂ કરી દેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેથી સહેલાણીઓ સુરક્ષિત રીતે મનોરંજન માણી શકે.
સૌરાષ્ટ્રભરની જનતા માટે આસ્થા અને મનોરંજનનું કેન્દ્ર
રાજકોટનો આ લોકમેળો માત્ર રાજકોટવાસીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરની જનતા માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહે છે. દર વર્ષે તહેવારોની મોસમમાં યોજાતા આ મહોત્સવમાં આશરે 12 થી 15 લાખ લોકો મેળાની મજા માણવા માટે એકઠા થાય છે. લોકો અહીં ખાણી-પીણી, ખરીદી અને વિવિધ રાઈડ્સનો આનંદ માણે છે.
6 સપ્ટેમ્બર સુધી જામશે મેળાવડો
રેસકોર્સના વિશાળ ગ્રાઉન્ડમાં સહેલાણીઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે. 6 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ લોકમેળામાં આગામી દિવસોમાં લાખોની સંખ્યામાં માનવમેહરામણ ઉમટી પડવાની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુચારુ રૂપે પૂર્ણ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot News: લોકમેળામાં ફૂડ સ્ટોલ પર મનપાની ટીમનું ચેકિંગ, સડેલા બટેટાનો નાશ કર્યો