calendar_todayMay 25, 2026
Rajkot News: ફ્યૂઅલની અછતને લીધે દિલ્હી-મુંબઈની 2 ફ્લાઇટ કેન્સલ, ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને લખ્યો પત્ર
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટથી હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એરલાઇન્સમાં ફ્યૂઅલની અછતનું બહાનુ ધરીને એર ઇન્ડિયા દ્વારા રાજકોટથી ઓપરેટ થતી દિલ્હી અને મુંબઈની બે મહત્વની ફ્લાઇટ્સ આગામી 1 જૂનથી 31 જુલાઈ સુધી, એટલે કે પૂરા બે મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના એર કનેક્ટિવિટી ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત
એર ઇન્ડિયાના આ ચોંકાવનારા નિર્ણયને પગલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુ તેમજ એર ઇન્ડિયાના ચેરમેનને પત્ર લખીને આ મામલે તાકીદે હસ્તક્ષેપ કરવા ઉગ્ર રજૂઆત કરી છે. વેપારી સંગઠને પત્રમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે ફ્યૂઅલની અછત જેવા કારણોસર આટલા લાંબા સમય સુધી ફ્લાઇટ્સ બંધ રાખવી તે બિલકુલ ગ્રાહ્ય નથી.
સૌરાષ્ટ્રના હબ ગણાતા નાના અને મધ્યમ ઉદ્યોગોને વ્યાપક અસર
ચેમ્બર ઓફ કોમર્સે પત્રમાં સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી છે કે વેકેશન અને બિઝનેસ સીઝન દરમિયાન ફ્લાઇટ્સ બંધ થવાથી સૌરાષ્ટ્રની હવાઈ મુસાફરી વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જશે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારો એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ઉદ્યોગોનું હબ છે. દિલ્હી-મુંબઈની ફ્લાઈટ્સ બંધ થવાથી સૌરાષ્ટ્રના સામાન્ય મુસાફરો ઉપરાંત અહીના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSMEs) ના વેપારીઓને બિઝનેસ ટુર અને માલસામાનના પરિવહનમાં ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો