calendar_todayAugust 6, 2026
Rajkot News : 25 જૂને સીલ કરેલી એનાલોગ પનીરની ફેક્ટરી ધમધમતી ઝડપાઈ, આરોગ્ય તંત્રએ ફરીવાર ચેકિંગ શરૂ કર્યું
ગુજરાતમાં એનાલોગ પનીરના નામે ધારા ધોરણ વિનાના પનીર, ચીઝ જેવા ઉત્પાદનોનું બેફામ પણે વેચાણ થઈ રહ્યું છે. જેને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા વેચાણ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ કે વેપારી આ પ્રતિબંધનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે પનીરના ઉત્પાદકો, હોટેલો, રેસ્ટોરન્ટ્સ, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરને તાકિદ કરી છે કે તેઓ માત્ર ધોરણ મુજબનું અસલી પનીર જ વેચે. બીજી બાજુ રાજકોટમાં આનાથી ઉલટો મામલો સામે આવ્યો છે. તંત્ર દ્વારા સીલ કરવામાં આવેલી એનાલોગ પનીરની ફેક્ટરી ધમધમતી હોવાનું સામે આવ્યું છે.
300 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી રહ્યું છે
રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્યના હિતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલું એનાલોગ પનીર બનાવવાનું કારખાનું આદેશોના લીરેલીરા ઉડાડીને ધમધમી રહ્યું છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા આ એનાલોગ પનીરનું ઉત્પાદન કરીને તેને બજારમાં ખુલ્લેઆમ ₹300 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી રહ્યું છે.
ગત 25 જૂનના રોજ ફૂડ વિભાગે ફેક્ટરી સીલ કરી હતી
મહત્વની વાત એ છે કે, ગત 25 જૂનના રોજ ફૂડ વિભાગે લાતી પ્લોટ ખાતે આવેલી 'ફોર્ચ્યુન પનીર' નામની પેઢીને સીલ કરી હતી, છતાં આ ફેક્ટરી ફરીથી ધમધમતી જોવા મળી છે. સરકારની કડક જાહેરાત છતાં સ્થળ પર કોઈ કામગીરી ન થવા અંગે જ્યારે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું કે પરિપત્ર પ્રસિદ્ધ ન થયો હોવાનું રટણ કર્યું હતું. પ્રતિબંધની જાહેરાત બાદ પણ તંત્ર માત્ર કાગળ પરના પરિપત્ર કે સૂચનાઓની રાહ જોઈને બેસી રહેતાં મનપાના અધિકારીઓની શંકાસ્પદ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થતાં તંત્ર દોડતું થયું હતું.
સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું
રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું. આરોગ્ય વિભાગે હરકતમાં આવીને લાતી પ્લોટ શેરી નંબર 4માં આવેલ ફોરચ્યુન મિલ્ક પ્રોડક્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. 25 જૂને અસરી પનીરના નામે એનાલોગ પનીર વેચતી પેઢીને સીલ કરવામાં આવી હતી. તેમ છતાં આ પેઢી બેફામ પણે ધમધમતી હોવાનો ઘટસ્ફોટ થતાં આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી છે.
આ પણ વાંચોઃ Mehsana News: શહેરમાં ગટર કનેક્શન વિનાના 17 હજાર મિલકત ધારકોને વેરો ઝિંકાયો