calendar_todayFebruary 20, 2026
Rajkot News: પૂરપાટ ઝડપે દોડતી BRTS બસે બે કારને મારી ટક્કર
રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી BRTS બસે અચાનક રેલિંગ તોડીને માર્ગ પર જતી બે કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે, આટલી મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટમાં BRTS બસ પોતાના ટ્રેક પરથી પૂરપાટ ઝડપે જઈ રહી હતી, ત્યારે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બસ લોખંડની રેલિંગ તોડીને સામાન્ય ટ્રાફિક લેનમાં ઘૂસી ગઈ હતી અને ત્યાંથી પસાર થઈ રહેલી બે ખાનગી કારને અડફેટે લીધી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બસ કેટલી ઝડપે કાર સાથે અથડાઈ હતી.
સ્થાનિકોમાં રોષ
અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રાજકોટમાં સિટી બસ અને BRTS બસના ડ્રાઈવરો દ્વારા થતી બેદરકારીભરી ડ્રાઈવિંગ સામે અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. અગાઉ પણ અનેકવાર આ બસો વિવાદમાં રહી છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જો બસની ઝડપ પર લગામ નહીં મુકાય તો ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકે છે. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બસ ચાલકની બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Rajkotમાં રફતારનો કહેર, 150 ફૂટ રિંગ રોડ પર ઓવરસ્પીડ કાર બની બેકાબૂ