calendar_todayMay 18, 2026
Rajkot : બાબુઓનો ‘ઇગો’ આસમાને, PM મોદીની ઇંધણ બચાવવાની અપીલ ઘોળીને પી ગયા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર દેશહિતમાં સામાન્ય નાગરિકોથી લઈને ઉચ્ચ અધિકારીઓને ઇંધણ બચાવવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે સાર્વજનિક મંચ પરથી અપીલ કરતા રહે છે. પરંતુ રાજકોટના સરકારી બાબુઓને દેશના વડાપ્રધાનની આ વાતો માત્ર કાગળ પરની અથવા 'ભાષણ' પૂરતી જ લાગતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં સરકારી અધિકારીઓ વડાપ્રધાનની અપીલને સરેઆમ ઘોળીને પી ગયા છે, જેના કારણે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ટીકા થઈ રહી છે.
અધિકારીઓ બેઠકમાં અલગ અલગ કારમાં આવ્યા
ઘટનાની વિગત એવી છે કે, રાજકોટ કલેકટર કચેરી ખાતે વહીવટી તંત્રની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાગ લેવા માટે શહેર અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આમંત્રણ અપાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે, એક જ બિલ્ડિંગ કે આસપાસના સરકારી આવાસોમાં રહેતા અને એક જ રૂટ પરથી આવતા ઉચ્ચ અધિકારીઓ 'કાર પૂલિંગ' (વાહન શેરિંગ) કરવાના બદલે પોતપોતાની અલગ-અલગ સરકારી લક્ઝુરિયસ ગાડીઓ લઈને કલેક્ટર કચેરી ખાતે ખડકાયા હતા.
શેરિંગ કરવામાં સાહેબોનો ‘ઇગો’ ઘવાય છે!
કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં લાઈનબદ્ધ ઉભેલી સરકારી ગાડીઓ જોઈને ત્યાં આવેલા સામાન્ય નાગરિકો પણ દંગ રહી ગયા હતા. આ બેઠકમાં ડીડીઓ (DDO), એસડીએમ (SDM) અને એસીપી (ACP) કક્ષાના તમામ મોટા અધિકારીઓ એકસાથે આવવાને બદલે અલગ-અલગ વીવીઆઈપી (VVIP) કારમાં રોફ જમાવતા આવ્યા હતા.
ત્રણ-ચાર અધિકારીઓ એક જ વાહનમાં આવી શકત
જાણકારોનું કહેવું છે કે, જો આ અધિકારીઓ ઈચ્છત તો ત્રણ-ચાર અધિકારીઓ એક જ વાહનમાં આવીને સરકારી ઇંધણ અને જનતાના ટેક્સના પૈસા બચાવી શક્યા હોત. પરંતુ આજના ડિજિટલ યુગમાં પણ આ સરકારી બાબુઓને પોતાની જૂની ‘બાબુશાહી’ માનસિકતા છોડવી નથી. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે અન્ય અધિકારીઓ સાથે વાહન શેરિંગ કરવામાં આ મોટા સાહેબોનો ‘ઇગો’ (અહમ) ઘવાય છે. પીએમની અપીલની કલેક્ટર કચેરીના ઉંબરે જ ધજ્જીઓ ઉડતા હવે જનતા સવાલ ઉઠાવી રહી છે કે, "નિયમો શું માત્ર સામાન્ય જનતા માટે જ છે?"
આ પણ વાંચો--- Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર