calendar_todayMay 5, 2026
Rajkot : સાયબર ઠગોના નિશાના પર સરકારી કચેરીઓ, RUDAના CEOના નામે અધિકારી સાથે છેતરપિંડીનો પ્રયાસ
રાજકોટમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય નાગરિકોને છોડીને સરકારી અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) ની કચેરીના એક અધિકારી સાથે છેતરપિંડીનો પ્રયાસ થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સાયબર ઠગોએ ઉચ્ચ અધિકારીની નકલી ઓળખ આપી નાણાં પડાવવાનો ખતરનાક ખેલ રચ્યો હતો.
સીઈઓ જી.વી. મિયાણી તરીકે આપી ઓળખ
ઘટનાની વિગતો મુજબ, રૂડા કચેરીના એક જવાબદાર અધિકારી પર અજાણ્યા નંબર પરથી સંદેશ વ્યવહાર કરવામાં આવ્યો હતો. છેતરપિંડી કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ રૂડાના સીઈઓ જી.વી. મિયાણી તરીકે આપી હતી. સામેના વ્યક્તિએ પોતે જ સીઈઓ બોલે છે તેવો વિશ્વાસ અપાવીને તાત્કાલિક ધોરણે નાણાં ટ્રાન્સફર કરવા માટે બેંક એકાઉન્ટની વિગતો પણ મોકલી આપી હતી.
પીજીવીસીએલ બાદ હવે રૂડા ટાર્ગેટ પર
અગાઉ આ જ પ્રકારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટરની ઓળખ આપીને પણ છેતરપિંડીના પ્રયાસો થયા હતા. હવે આ જ પેટર્નનો ઉપયોગ રૂડા કચેરીમાં કરવામાં આવ્યો છે. સાયબર ઠગો ઉચ્ચ અધિકારીઓના પ્રોફાઈલ ફોટા અને નામનો ઉપયોગ કરીને તાબાના કર્મચારીઓ પાસે ઈમરજન્સીના બહાને નાણાં માંગતા હોય છે.
મોટી છેતરપિંડી થતી અટકી ગઈ
ઓળખ આપનારા વ્યક્તિએ પૈસા ટ્રાન્સફર કરવા બાબતે એકાઉન્ટ વિગત પણ આપી હતી. આ કિસ્સામાં રૂડાના અધિકારીને શંકા જતા તેમણે સાવચેતી વાપરી હતી અને નાણાં ટ્રાન્સફર કર્યા નહોતા, જેના કારણે એક મોટી છેતરપિંડી થતી અટકી ગઈ હતી. આ મામલે સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો---- West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન