android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: વિંછીયામાં UP બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ, ધંધાની હરીફાઇમાં કરાયો હત્યાનો પ્રયાસ

calendar_todayJanuary 8, 2026

Rajkot: વિંછીયામાં UP બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ, ધંધાની હરીફાઇમાં કરાયો હત્યાનો પ્રયાસ

રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં પવનચક્કીના વ્યવસાયમાં હરીફાઈ અને જૂની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં બે જૂથો વચ્ચે ધોળા દિવસે હાઈવે પર યુપી-બિહાર સ્ટાઈલમાં સામસામે અંધાધૂંધ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ અથડામણ કુખ્યાત આરોપી કુલદીપ ખાચર અને લઘુ ધાંધલ જૂથ વચ્ચે થઈ હતી.

UP બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ

મળતી માહિતી પ્રમાણે આ વિવાદની શરૂઆત ત્યારે થઇ હતી જ્યારે કુલદીપ ખાચર પિસ્તાલ સાથે લઘુ ધાંધલના ઘરે જઇને પડકાર ફેંકી આવ્યો. આ ઉશ્કેરણી બાદ પ્રતાપ ખાચર અને લઘુ ધાંધલ પોતાના સમર્થકો સાથે સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર ગાડીઓ લઈને નીકળ્યા હતા. ઓરી ગામ પાસે બંને જૂથો આમને-સામને આવી ગયા હતા. કુલદીપ ખાચરની ટોળકીએ ચાલુ ગાડીએ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના જવાબમાં સામા પક્ષે પણ લાયસન્સવાળી બાર બોરની ગન અને દેશી કટ્ટાથી વળતો પ્રહાર કર્યો હતો.

પોલીસે કરી કાર્યવાહી

ગંભીરતાને જોતા એસપી વિજયસિંહ ગુર્જર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પેટ્રોલીંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતી ત્રણ લક્ઝુરિયસ ગાડીઓને અટકાવી તલાસી લેતા તેમાંથી જીવતા કારતૂસ, કુહાડી અને ફરસી જેવા જીવલેણ હથિયારો મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ૫ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે કુલદીપ ખાચર અને તેની ટોળકી હાલ ફરાર છે.

કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો

વિંછીયા પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાએ સ્થાનિક કાયદો અને વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. પવનચક્કીના કોન્ટ્રાક્ટ અને વર્ચસ્વની લડાઈમાં હથિયારોના પ્રદર્શનને ડામવા પોલીસે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Kheda News: સરપંચ બન્યા તો શું પોતાની જાતને 'સરકાર' સમજી બેઠાં? આ પાવર શું સત્તાનો છે!