calendar_todayMarch 22, 2026
Ranpur: રાણપુરમાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રનો સપાટો
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્ર હવે સખત વલણ અપનાવી રહ્યું છે. સ્થાનિક તંત્રને ઊંઘમાં રાખી ચાલતા ખનન ધંધા પર ગાંધીનગરથી વિશેષ સ્ક્વોડે શનિવારે ત્રાટકીને અચાનક તવાઈ બોલાવી હતું. રાણપુર પાસે સુખભાદર નદીના પટ વિસ્તારમાં ગાંધીનગરની તપાસ ટીમે દરોડો પાડી ગેરકાયદે ખનન કરતા તત્વોને ઝપેટમાં લીધા હતા. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી જોન ડીયર કંપનીનું લોડર અને અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર (નંબર GJ33T3685) કબજે કરવામાં આવ્યું હતું. ખનન વિભાગ દ્વારા સ્થળ પરથી અંદાજે રૂ. 45 લાખની કિમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે કુલદીપભાઈ ઘનશ્યામભાઈ પવારા અને મેર મેલાભાઈ જાગાભાઈ સામે એફ્આઇઆર નોંધવામાં આવી છે. ગાંધીનગરની ટીમ દ્વારા કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા ભુમાફ્યિાઓમાં હડકંપ મચી ગયો છે. જપ્ત કરાયેલ લોડર અને ડમ્પર સહિતનો મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાણપુર પોલીસ સ્ટેશનને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત રાણપુર તળ વિસ્તારમાં ચાલતી ખનીજ ચોરી અંગે તલાટી અને સરપંચની ભૂમિકા પર પણ પ્રશ્નચિન્હ ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે નદીના પટમાં આવતા તમામ ગામોના તલાટી અને સરપંચ સામે પણ જવાબદારી નક્કી કરી કડક પગલાં લેવામાં આવેની માગણી પણ ઉગ્ર બની છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam