android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
RBI New Rule: બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે RBI લાવી રહ્યું છે નવો નિયમ, આખું એકાઉન્ટ ફ્રીઝ નહીં થાય

calendar_todaySeptember 15, 2026

RBI New Rule: બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે RBI લાવી રહ્યું છે નવો નિયમ, આખું એકાઉન્ટ ફ્રીઝ નહીં થાય

આજના સમયમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યા છે. તેની સાથે સાથે સાયબર ફ્રોડની રીતો પણ સતત બદલાઈ રહી છે અને લોકોને છેતરવા માટે ઠગટોળકી દરરોજ અવનવી રીતો અપનાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ અને શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શનના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવા કિસ્સામાં ઘણી વખત બેંકો સુરક્ષા માટે ગ્રાહકોના આખા ખાતા ફ્રીઝ કરી દે છે, જેના કારણે જરૂરિયાતના સમયે પૈસાનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI આ પ્રક્રિયામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.

RBIના નવા ફ્રેમવર્કમાં શું બદલાશે?

RBIના પ્રસ્તાવિત નવા ડ્રાફ્ટ ફ્રેમવર્ક હેઠળ સાયબર ફ્રોડ અથવા મની-મ્યુલ એકાઉન્ટની શંકા હોય ત્યારે દર વખતે આખું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાને બદલે માત્ર શંકાસ્પદ રકમ પર ડેબિટ હોલ્ડ લગાવવાનો પ્રસ્તાવ છે. આવી સ્થિતિમાં ગ્રાહકને સંબંધિત ટ્રાન્ઝેક્શન યોગ્ય હોવાનું સાબિત કરવા માટે 20 દિવસનો સમય આપવામાં આવશે.

આ દરમિયાન ગ્રાહકે પોતાની ઓળખ અને રકમના સ્ત્રોત સાથે જોડાયેલા જરૂરી દસ્તાવેજો આપવા પડશે. ત્યારબાદ ગ્રાહક દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો અને માહિતીની સમીક્ષા કરવા માટે બેંકને 10 દિવસનો સમય મળશે.

કયા કારણોસર બેંક એકાઉન્ટ પર રોક લાગી શકે?

જો તમારા ખાતામાં સાયબર ફ્રોડ અથવા છેતરપિંડી સાથે જોડાયેલી રકમ આવે અથવા કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળે, તો બેંક તપાસ માટે રોક લગાવી શકે છે.

લાંબા સમય સુધી KYC અપડેટ ન કરાવ્યું હોય તો પણ ખાતા સામે કાર્યવાહી થઈ શકે છે.

ખાતામાં સામાન્ય લેવડદેવડની સરખામણીમાં અચાનક મોટી રકમની આવક-જાવક થાય તો બેંકને શંકા થઈ શકે છે અને તે તમારા ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી શકે છે.

કોર્ટ, પોલીસ, ઇન્કમ ટેક્સ વિભાગ અથવા અન્ય કોઈ અધિકૃત સરકારી એજન્સીના આદેશ પર પણ તમારા ખાતા પર રોક લગાવી શકાય છે.

ગ્રાહકો માટે કેમ રાહતની વાત છે?

આ નવા પ્રસ્તાવનો સૌથી મોટો ફાયદો એ છે કે શંકાસ્પદ રકમની તપાસ દરમિયાન ગ્રાહકના આખા ખાતાની રકમ પર રોક લગાવવાની જરૂર નહીં પડે. એટલે હવે ગ્રાહક બાકીની રકમનો સામાન્ય રીતે ઉપયોગ કરી શકશે, જ્યારે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શંકાસ્પદ રકમ પર ડેબિટ હોલ્ડ લગાવી શકાય છે.