calendar_todayJanuary 20, 2026
Republic Day 2026: ભારત 78મો નહી 77મો ગણતંત્ર દિવસ ઉજવશે, જાણો તેની પાછળનું કારણ
ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ખૂબ જ ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો છે કે ભારત 78મો નહીં, પરંતુ 77મો ગણતંત્ર દિવસ કેમ ઉજવી રહ્યું છે. પહેલી નજરે આ વાત થોડી ગૂંચવણભરી લાગી શકે છે, પરંતુ તેના પાછળ એક સ્પષ્ટ અને ઐતિહાસિક કારણ છે.
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી હતી
હકીકતમાં ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી હતી, પરંતુ તે દિવસે દેશ ગણતંત્ર બન્યો ન હતો. સ્વતંત્રતા પછી પણ થોડા સમય સુધી ભારત બ્રિટિશ શાસન દ્વારા બનાવાયેલા કાયદાઓ અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 હેઠળ ચલાવાતું રહ્યું. ત્યારબાદ દેશના નેતાઓ અને બંધારણ સભાએ મળીને એક સ્વતંત્ર અને સર્વભૌમ બંધારણ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી.
26 જાન્યુઆરી 1950. આ દિવસે ભારતે પોતાનું બંધારણ સંપૂર્ણ રીતે અમલમાં મૂક્યું
ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યું હતું, પરંતુ તેને અમલમાં મૂકવા માટે એક પ્રતીકાત્મક અને ઐતિહાસિક તારીખ પસંદ કરવામાં આવી. તે તારીખ હતી 26 જાન્યુઆરી 1950. આ દિવસે ભારતે પોતાનું બંધારણ સંપૂર્ણ રીતે અમલમાં મૂક્યું અને દેશ “ગણતંત્ર” બન્યો. તેથી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે પોતાનો પહેલો ગણતંત્ર દિવસ ઉજવ્યો.
ભારતીય લોકશાહી, બંધારણ અને નાગરિક અધિકારોનું પ્રતીક
જો ગણતરી કરવામાં આવે તો 26 જાન્યુઆરી 1950થી 26 જાન્યુઆરી 1951 સુધીનો સમય પહેલું ગણતંત્ર વર્ષ ગણાય છે. આ આધાર પર દર વર્ષે ગણતંત્ર દિવસની ગણતરી આગળ વધતી ગઈ. તેથી વર્ષ 2026માં ભારત 78મો નહીં, પરંતુ 77મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ઘણા લોકો સ્વતંત્રતાના વર્ષથી ગણતરી કરીને ગેરસમજમાં પડી જાય છે, જ્યારે ગણતંત્ર દિવસની ગણતરી બંધારણ અમલમાં આવ્યું તે વર્ષથી જ કરવામાં આવે છે.
ગણતંત્ર દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ભારતીય લોકશાહી, બંધારણ અને નાગરિક અધિકારોનું પ્રતીક છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દેશની સર્વોચ્ચ સત્તા જનતામાં નिहિત છે અને આપણે બધા બંધારણ પ્રત્યે સમાન રીતે જવાબદાર છીએ. આ કારણથી 77મો ગણતંત્ર દિવસ પણ એટલો જ ગૌરવ અને મહત્વ ધરાવે છે જેટલો કોઈ પણ અન્ય ઐતિહાસિક વર્ષ.
આ પણ વાંચો: Sun And Mangal Conjuction : કુંભ રાશિમાં સૂર્ય-મંગળની યુતિ, આ રાશિનો શરૂ થશે શુભ સમય