calendar_todayOctober 17, 2026
Sabarkantha News: પ્રાંતિજ માર્કેટ યાર્ડમાં કેસરીયો લહેરાયો, ભાજપે જીતી ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠક
સાબરકાંઠા જિલ્લાના મહત્વના ગણાતા પ્રાંતિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત વિભાગની યોજાયેલી ઉત્સાહભેર ચૂંટણીના અંતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પરિણામો આવતા જ વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખેડૂત વિભાગની 10 બેઠકો પર યોજાયો હતો જંગ
પ્રાંતિજ માર્કેટ યાર્ડની આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ 10 બેઠકો પર કબ્જો જમાવવા માટે ભાજપ પ્રેરિત પેનલ અને સામે પક્ષે બળવાખોર તેમજ વિપક્ષી સૂર ધરાવતી 'પરિવર્તન પેનલ' વચ્ચે સીધો અને રસપ્રદ સંગ્રામ ખેલાયો હતો.
10 માંથી 8 બેઠકો પર ભાજપનો વિજય
જાહેર થયેલા પરિણામો મુજબ, ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રેરિત ઉમેદવારોએ આક્રમક જીત નોંધાવી છે. ભાજપના આ શાનદાર પ્રદર્શનથી માર્કેટયાર્ડ પર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ અને પકડ પુનઃ યથાવત અને મજબૂત સાબિત થઈ છે.
પરિવર્તન પેનલના 2 ઉમેદવારોની જીત, કોંગ્રેસ આગેવાનનો સમાવેશ
બીજી તરફ, ભાજપ સામે ચૂંટણી મેદાનમાં ઉતરેલી 'પરિવર્તન પેનલ'ના 2 ઉમેદવારોનો પણ વિજય થયો છે. તમને જણાવી દઈએ કે, પરિવર્તન પેનલમાંથી જીતેલા ઉમેદવારોમાં કોંગ્રેસના એક સ્થાનિક અગ્રણી આગેવાનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણી આગેવાનોના ટેકેદારોએ પણ પરિવર્તન પેનલ તરફથી લડીને પોતાની બેઠક બચાવવામાં સફળતા મેળવી છે.
બહુમતી સાથે માર્કેટ યાર્ડનું સત્તા સુકાન ભાજપના હાથે
ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠકો પર સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ જતાં હવે પ્રાંતિજ માર્કેટ યાર્ડનું સત્તા સુકાન ભાજપના ઉમેદવારો સંભાળશે. આ જીત બાદ ભાજપના કાર્યકરો અને સ્થાનિક સહકારી આગેવાનો દ્વારા વિજયી ઉમેદવારોનું ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આતશબાજી કરીને જીતની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Sabarkantha News: ઈડર પોલીસ સ્ટેશનમાં જેલમાં બંધ આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો