android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha News: પ્રાંતિજમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

calendar_todayMarch 8, 2026

Sabarkantha News: પ્રાંતિજમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની ટીમ દ્વારા બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ તેજ કરી છે.

5.177 કિલો ગ્રામ ગાંજો જપ્ત

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે હાથ ધરેલી તપાસમાં પ્રાંતિજ વિસ્તારમાંથી કુલ 5.177 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત બજારમાં લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે. ટાસ્ક ફોર્સની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આરોપીઓની ધરપકડ અને કાર્યવાહી

આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી માલજી બુબડીયાની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરની સંડોવણી પણ સામે આવી છે, જેની વિરૂદ્ધ પણ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સપ્લાયરની શોધખોળ ચાલુ

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ નશીલા પદાર્થનો જથ્થો ભુજના વીરા પઠાણ નામના કુખ્યાત ગાંજા સપ્લાયર દ્વારા મોકલવામાં આવ્યો હતો. હાલમાં વીરા પઠાણ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ફરાર જાહેર કરી, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તેને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ રેકેટ પાછળ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને આ માલ ક્યાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - સાબરકાંઠા જિલ્લામાં રંગોત્સવ તહેવાર શાંતિપૂર્ણ સંપન્ન