calendar_todayJanuary 4, 2026
Sayla news: ગેરકાયદે ખોદકામ પર તવાઈ, 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ભૂમાફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલાના જસાપર અને મદારગઢની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર સાયલા પોલીસ દ્વારા ઓચિંતી રેડ કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીથી સમગ્ર પંથકના ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
13 ડમ્પર અને 3 હિટાચી મશીન જપ્ત
ઘટનાની મળતી માહિતી અનુસાર, સાયલા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, જસાપર-મદારગઢની સીમમાં મોટા પાયે ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી છે. મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા સ્થળ પરથી 13થી વધુ ડમ્પરો અને 3 હિટાચી મશીનો મળી આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, જપ્ત કરાયેલા વાહનો અને મશીનરીની કિંમત રૂપિયા 3 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.
ખનીજ વિભાગની ભૂમિકા સામે સવાલ
પોલીસના આ આકરા પ્રહાર બાદ સ્થાનિક ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આટલા મોટા પાયે મશીનરીનો ઉપયોગ કરીને ખોદકામ થતું હોવા છતાં ખનીજ વિભાગ કેમ અજાણ હતું? પોલીસની આ કાર્યવાહીએ સાબિત કર્યું છે કે, વિસ્તારમાં મસમોટી ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું. હાલમાં પોલીસે તમામ વાહનો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ રેડમાં હજુ પણ મોટા ખુલાસા થવાની અને ખનીજ ચોરીનો આંકડો વધવાની પૂરેપૂરી આશંકા છે.
આ પણ વાંચો - Sayla: ગેરકાયદે ખનીજ ઉલેચવા માટેના 7 કૂવા ઝડપાયા