android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
September 2, 2026: : આવતીકાલે બુધવારે દેશભરમાં શું શું મહત્વનું બનવાનું છે ? 7 મોટી ઘટનાઓ પર એક નજર

calendar_todaySeptember 1, 2026

September 2, 2026: : આવતીકાલે બુધવારે દેશભરમાં શું શું મહત્વનું બનવાનું છે ? 7 મોટી ઘટનાઓ પર એક નજર

2 સપ્ટેમ્બર, 2026ના રોજ દેશભરમાં રાજકારણ, જળ સુરક્ષા, માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ સુરક્ષા શિખર સંમેલન સુધી, આવતીકાલનો દિવસ અનેક મહત્વના નિર્ણયો અને બેઠકોનો સાક્ષી બનશે.


1. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક


આવતીકાલે બપોરે 2 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં ટ્રસ્ટને પ્રથમ CEO મળવાની શક્યતા છે. ઉપરાંત પ્રવક્તાની નિમણૂક સહિત અનેક મહત્વના વહીવટી મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે.


2. જળ સુરક્ષા મુદ્દે મોટી બેઠક, PM મોદી જોડાશે


દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં જળ સુરક્ષા મુદ્દે મહત્વપૂર્ણ શિખર સંમેલન યોજાશે. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળશક્તિ મંત્રીઓ તેમાં ભાગ લેશે. ગુજરાતના જળશક્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અંદાજે 4:30 વાગ્યે બેઠકમાં જોડાઈ શિખર સંમેલનને સંબોધશે.


3. NHRCનો બે દિવસનો ગુજરાત પ્રવાસ


રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 2 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ઓપન હિયરિંગ યોજાશે, જેમાં રાજ્યમાં માનવાધિકાર ઉલ્લંઘનના કેસોની સુનાવણી કરવામાં આવશે. આયોગના અધ્યક્ષના નેતૃત્વમાં સુનાવણી યોજાશે. જ્યારે 3 સપ્ટેમ્બરે બંધુઆ મજૂરીના મુદ્દે પણ સુનાવણી કરવામાં આવશે.


4. રાહુલ ગાંધીનો નાસિક પ્રવાસ


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે નાસિકના પ્રવાસે જશે. તેઓ ‘સંગઠન સર્જન અભિયાન’ના સમાપન સમારોહમાં હાજરી આપશે અને પાર્ટીના પદાધિકારીઓ સાથે સંવાદ કરશે.


5. બેલ્જિયમના વડાપ્રધાન ભારત આવશે


બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર 3 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. 3 સપ્ટેમ્બરે બંને નેતાઓ વચ્ચે યોજાનારી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.


6. જમ્મુ-કાશ્મીરમાં સરકાર સામે ભાજપનો વિરોધ


જમ્મુ-કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાના નેતૃત્વવાળી સરકાર સામે ભાજપ આક્રમક વિરોધ કાર્યક્રમો કરશે. વિધાનસભાના ઘેરાવ ઉપરાંત પાર્ટી કાર્યાલયોના ઘેરાવ અને દેખાવો યોજાવાની જાહેરાત કરવામાં આવી છે.


7. ઉપરાષ્ટ્રપતિનો છત્તીસગઢ પ્રવાસ


ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આવતીકાલે રાયપુર અને છત્તીસગઢના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ AIIMS રાયપુરના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.


આમ, 2 સપ્ટેમ્બરનો દિવસ રાજકીય બેઠકો, વિરોધ કાર્યક્રમો, માનવાધિકાર મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ બની રહેશે.