calendar_todayFebruary 22, 2026
Sihor: ભૂસ્તર વિભાગની કાર્યવાહી બાદ સીઝ કરાયેલું ડમ્પર રાત્રે ગાયબ
કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતી પરિવહન સામે કરવામાં આવેલી કાર્યવાહી બાદ સીઝ કરાયેલ ડમ્પર રાત્રિના સમયે ગાયબ થઈ જતા ચકચાર મચી છે.
સીઝ કરાયેલા બે ડમ્પરમાંથી એક ડમ્પરનો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે સાંજે અંદાજે 8 વાગ્યાના અરસામાં અરણીવાડા ખાતે આવેલ પૃથ્વી એન્ટરપ્રાઈઝના રેતી સ્ટોક યાર્ડ પર ભૂસ્તર વિભાગે દરોડો પાડી ઓવરલોડ રેતી ભરેલા બે ડમ્પર ઝડપી પાડયા હતા. બંને વાહનોમાં સાદી રેતી નિયમ કરતાં વધુ પ્રમાણમાં ભરેલી હોવાનું જણાતા તેમને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા હતા .
પરંતુ સવારે તપાસ દરમિયાન એક ડમ્પર સ્થળ પરથી ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટરે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ડમ્પર ગાયબ હોવાનું સામે આવ્યું, જ્યારે બીજું ડમ્પર RJ04GC7742 સ્થળ પર જ મળી આવ્યું હતું.આ અંગે શિહોરી પોલીસ સ્ટેશન ખાતે ફરાર થયેલા ડમ્પરના ચાલક અને માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ડમ્પરની શોધખોળ શરૂ કરી છે.ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સામે ચાલી રહેલી કડક કાર્યવાહીની વચ્ચે સીઝ કરાયેલ વાહન જ નાસી છૂટવાની ઘટના ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો