calendar_todayOctober 27, 2026
Sikkimના ગામે શરૂ કર્યો કામ કરવાનો નવીન ટ્રેન્ડ,લેપટોપ સાથે પહાડોમાં વસવાટ!
રોજિંદા ઓફિસના કામ, ટ્રાફિક અને ઘરની ચાર દીવાલોમાં રહીને કંટાળી ગયા હો, તો જરા વિચારો કે પહાડોની વચ્ચે બેસીને લેપટોપ પર કામ કરવાનો અનુભવ કેવો હોય! સવારે સુંદર ખીણોનાં દૃશ્યો માણો અને કામ પૂરું થયા પછી ગામની શાંત જિંદગીનો આનંદ લો. સિક્કિમના યાકતેન ગામમાં આવું જ જોવા મળી રહ્યું છે. અહીં રિમોટ વર્ક કરતા લોકો માટે ભારતનું પ્રથમ સમર્પિત ડિજિટલ નોમેડ વિલેજ વિકસાવવામાં આવ્યું છે.
સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં આવેલું યાકતેન લિમ્બુ સમુદાયનું સુંદર ગામ છે. અહીં દૂર-દૂરની કંપનીઓમાં કામ કરતા લોકો કેટલાંક અઠવાડિયાં સુધી રોકાય છે. તેઓ ગામના હોમસ્ટેમાં રહીને ઓફિસ મીટિંગ અને અન્ય કામ પૂરાં કરે છે. સાથે જ તેમને પહાડોની વચ્ચે સમય પસાર કરવાની અને સ્થાનિક સંસ્કૃતિને નજીકથી જાણવાની તક પણ મળે છે.
પહાડોની વચ્ચે કામ કરવાની સુવિધા
ડિજિટલ નોમેડ એવા લોકો છે, જેઓ ઇન્ટરનેટની મદદથી કોઈપણ સ્થળેથી કામ કરી શકે છે. તેમાં ફ્રીલાન્સર, કન્ટેન્ટ રાઇટર અને ઘરેથી કામ કરતા અન્ય પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. યાકતેનમાં આવા લોકો માટે સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને જરૂરી સુવિધાઓ ધરાવતા હોમસ્ટે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી તેઓ લાંબા સમય સુધી અહીં રહીને પણ સરળતાથી પોતાનું કામ કરી શકે.
માત્ર ફરવા નહીં, ગામના લોકો સાથે જોડાવું પણ હેતુ
યાકતેનની ખાસિયત એ છે કે અહીં આવતા લોકો માત્ર પ્રવાસી બનીને રહેતા નથી. તેઓ ગામના લોકો સાથે સ્થાનિક તહેવારો, લગ્નપ્રસંગો અને રોજિંદી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. બીજી તરફ, બહારથી આવતા પ્રોફેશનલ્સ સ્થાનિક યુવાનો અને વેપારીઓ સાથે પોતાના કામનો અનુભવ વહેંચે છે અને વ્યવસાય સંબંધિત સલાહ પણ આપે છે.
આ પહેલથી ગામના લોકો અને બહારથી આવતા લોકો વચ્ચે પરસ્પર જોડાણ વધી રહ્યું છે. હોમસ્ટે ચલાવતા સ્થાનિક પરિવારોને પણ પ્રવાસનથી આવકનો લાભ મળી રહ્યો છે. આ પહેલનો હેતુ ગામને મોટી હોટલો કે ભીડભાડવાળા પ્રવાસન સ્થળમાં ફેરવવાનો નથી, પરંતુ તેની સ્થાનિક ઓળખ જાળવી રાખીને લોકોને એકબીજાની નજીક લાવવાનો છે.
કામની સાથે ફરવાની નવી રીત
યાકતેન જેવાં ડિજિટલ નોમેડ વિલેજ એવા લોકો માટે સારો વિકલ્પ બની શકે છે, જેઓ નોકરી કે કામ છોડ્યા વિના નવી જગ્યાએ રહીને જીવનનો અનુભવ મેળવવા માગે છે. અહીં ઇન્ટરનેટની મદદથી કામ ચાલુ રાખવાની સાથે પહાડો, સ્થાનિક સંસ્કૃતિ અને ગામના જીવનને નજીકથી જાણવાની તક મળે છે. આવી પહેલ નાના ગામોમાં પ્રવાસનના નવા અવસરો ઊભા કરવામાં અને સ્થાનિક લોકોની આવક વધારવામાં પણ મદદરૂપ બની શકે છે.
યાકતેન ગામ કેવી રીતે પહોંચવું?
સિક્કિમના યાકતેન ગામમાં જવા માટે ફ્લાઇટ, ટ્રેન અને રોડ માર્ગનો ઉપયોગ કરી શકાય છે. અહીં પહોંચવા માટે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ અથવા ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશન સુધી પહોંચવું અનુકૂળ રહે છે. ત્યાંથી ટેક્સી લઈને ગંગટોક અને ત્યારબાદ પાક્યોંગ થઈને યાકતેન ગામ પહોંચી શકાય છે. ગંગટોકથી પાક્યોંગ સુધીની મુસાફરીમાં આશરે દોઢ કલાક લાગે છે. પાક્યોંગથી ગામ સુધી ટેક્સીની સુવિધા મળી શકે છે.
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા થો તો ન્યૂ જલપાઈગુડી (NJP) સ્ટેશન પર ઉતરવું વધુ અનુકૂળ રહેશે. ત્યાંથી ટેક્સી અથવા અન્ય વાહનો દ્વારા ગામ સુધી પહોંચી શકાય છે. મુસાફરી શરૂ કરતાં પહેલાં ટેક્સી અને હોમસ્ટેનું બુકિંગ કરાવી લેવું વધુ સારું રહેશે.
યાકતેન ગામની મુલાકાત માટે કઈ ઋતુ શ્રેષ્ઠ છે?
યાકતેનની મુલાકાત માટે માર્ચથી મે અને ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમય સારો માનવામાં આવે છે. માર્ચથી મે દરમિયાન હવામાન ખુશનુમા રહે છે. આસપાસની હરિયાળી અને ખીલેલાં ફૂલોનો સુંદર નજારો જોવા મળે છે. જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આકાશ સ્વચ્છ રહેવાની અને પહાડોનાં મનમોહક દૃશ્યો જોવાની શક્યતા વધુ હોય છે.
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન અહીં ચોમાસું રહે છે. આ સમયે ગામની હરિયાળી આકર્ષક લાગે છે, પરંતુ વરસાદને કારણે રસ્તા પર મુસાફરી કરવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે લેપટોપ સાથે લાંબા સમય સુધી કામ કરવા જઈ રહ્યા હોવ, તો હવામાન ઉપરાંત ઇન્ટરનેટની ઉપલબ્ધતા, હોમસ્ટેની સુવિધાઓ અને આવવા-જવાની વ્યવસ્થા વિશે અગાઉથી માહિતી મેળવી લેવી જોઈએ.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d